લીકર કેસમાં CM Arvind Kejriwalને ઝટકો, જામીન ફગાવાયા, મેડિકલ ટેસ્ટના આદેશ

નવી દિલ્હીઃ લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને આરોગ્યના આધારે દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. કેજરીવાલે આરોગ્યના આધારે જરુરી તપાસ માટે સાત દિવસના જામીન માગ્યા હતા. કોર્ટે કેજરીવાલની કસ્ટડી 19 જૂન સુધી વધારી છે.
દિલ્હીમાં લીકર પોલિસી અને તેના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી સૌથી મોટો ઝટકો મળ્યો છે. આરોગ્યના આધારે વચગાળાના જામીનની અરજીને ફગાવી છે.
આ પણ વાંચો: દિલ્હી લીકર કેસમાં ‘આપ’ પણ આરોપી: ઈડીએ કહ્યું, આગામી ચાર્જશીટમાં નામ હશે
કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા તપાસ કરનારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કહ્યું કે કેજરીવાલ કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે. ઈડીએ આરોપ લગાવતા કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર કરી રહેલા કેજરીવાલને જ્યારે સરેન્ડર કરવાનું હતું ત્યારે તબિયત બગાડવાનો દાવો કર્યો છે. બંને પક્ષની સુનાવણી વખતે કોર્ટે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો અને આજે સુનાવણી હાથ ધરી હતી.
વીડિયો કોન્ફરન્સ મારફત કેજરીવાલ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલની કસ્ટડી વધારવામાં આવી છે, જેથી હવે કેજરીવાલને 19મી સુધી જેલમાં રહેવું પડશે. અરવિંદ કેજરીવાલના જરુરી મેડિકલ ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જેલમાં કેજરીવાલના આરોગ્ય સંબંધમાં ધ્યાન રાખવાનો પણ આદેશ આપ્યો છે.