વિશ્વ પર્યાવરણ દિન અવસરે.. પર્યાવરણ સંરક્ષિત તો ભવિષ્ય સુરક્ષિત
અર્થવ્યવસ્થા આજની ચિંતા બની ગઈ છે અને પૂરતું ધ્યાન નહીં રાખીએ તો પર્યાવરણ ભવિષ્યનો માત્ર મુદ્દો જ નહીં, ઉપાધિ બની જશે…
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
પ્રકૃતિ જે આપણને જીવવા માટે સ્વચ્છ વાયુ, પીવા માટે શીતલ જળ અને ખાવા માટે કંદમૂળ, ફળ ઉપલબ્ધ કરાવી રહી છે, તે આજે સંકટમાં આવી પડી છે. આજે તેની સુરક્ષા માટેના સવાલ ઊભા થયા છે. આ ધરતી માતા આજે વિવિધ ભય સામે ઝઝૂમી રહી છે. લગભગ ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલાં ધરતી ઉપર ગાઢ જંગલો હતાં. કલકલ વહેતી સ્વચ્છ નદીઓ અને ઝરણાં હતાં. અનેક વિધ પશુ-પ્રાણી-પંખી ને જંતુઓથી સમૃદ્ધ જંગલો હતાં. એટલું જ નહીં, જંગલના રાજા સિંહ પણ નિવાસ કરતા હતાં. આજે આ બધું શોધવા નીકળીએ તો પણ મળે એમ નથી.નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે. રાષ્ટ્રીય નદીનું બિરુદ પ્રાપ્ત ગંગા પણ આમાંથી બાકાત નથી. ઝરણાં સૂકાઈ ગયા છે. જંગલનાં ઝાડ અને વન્યજીવ ગાયબ થઈ ગયા છે. ચિત્તા અને સિંહ આપણા દેશમાંથી દિવસે દિવસે ઘટી રહ્યા છે. સિંહ માત્ર ગીરના જંગલોમાં બચ્યા છે. આવી જ રીતે રાષ્ટ્રીય પક્ષી મોર, હંસ, કોયલ, ચકલી ઉપર પણ સંકટનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે.
આવી જ દશા હવામાનની છે. શહેરોની હવા તો ખૂબ જ પ્રદૂષિત કરી દેવામાં આવી છે. અમુક શહેરોમાં તો જીવવું દોહ્યલું થઈ ગયું છે. આ બધા માટે આપણા સૌનું ‘યોગદાન’ છે. ‘વર્તમાન સમયમાં ખાસ કરીને આપણી કથની અને કરણી માટે જવાબદાર આપણે જ છીએ. એક બાજુ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ તો બીજી બાજુ એને કાપવામાં જરા પણ અચકાતા નથી. આપણી સંસ્કૃતિમાં નદીઓને ‘માતા’ કહેવામાં આવે છે.એ જ મા સ્વરૂપ ગંગા, જમના જેવી પવિત્ર નદીઓની હાલત જોઈ શકાય છે. શહેરોનું ગંદું પાણી આ નદીઓમાં ઠલવાય છે. મળ, મૂત્ર, કુડા, કચરા, હાર, ફૂલ અરે ત્યાં સુધી કે મૃતદેહને પણ આ નદીઓમાં વહેતા મૂકવામાં આવે છે.પરિણામે દેશની તમામ પ્રમુખ નદીઓ વિશાળ ગંદાં નાળામાં બદલાઈ ચૂકી છે. વૃક્ષોના પૂજનની સાથે એની રક્ષા કરવાનો સંકલ્પ પણ આપણે લેવો જોઈએ. પ્રકૃતિની જાળવણી એ જ ઈશ્ર્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા હોવી જોઈએ. કહેવામાં આવે છે કે પ્રકૃતિ જ ઈશ્ર્વર છે. જો આપણે સાચા ઈશ્ર્વર ભક્ત હોઈએ તો ભગવાને બનાવેલી આ દુનિયા જેવી કે હવા, પાણી, જંગલ અને જમીનને પ્રદૂષિત થવાથી બચાવવી જોઈએ. આનાથી મોટી કોઈ પૂજા હોઈ જ ન શકે. પર્યાવરણ તેમજ પ્રકૃતિ એક સિક્કાની બે બાજુ સમાન છે. જન સામાન્ય માટે જે પ્રકૃતિ છે તેને વિજ્ઞાનમાં પર્યાવરણ કહેવામાં આવે છે. ‘પરિ+આવરણ’. અર્થાત આપણી ચારે બાજુ જે પણ વસ્તુઓ છે, શક્તિ છે. જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. આ બધાંને પર્યાવરણ કહી શકાય. ખાસ કરીને જળ, હવા, જંગલ, જમીન, સૂર્યનો પ્રકાશ રાતનો અંધકાર અને અન્ય જીવજંતુ આ બધાં જ આપણા પર્યાવરણના ભિન્ન છતાં અભિન્ન અંગ છે. સવાલ એ થાય છે કે આ પર્યાવરણીય સમસ્યાને હલ કરવા માટે કોઈ ઉપાય છે ખરો? શું આપણી વિચારધારામાં બદલાવ લાવવાની જરૂર છે? વાસ્તવમાં પ્રકૃતિને લઈને આપણી વિચારધારામાં ખામી જોવા મળે છે. તમામ પ્રાકૃતિક સંસાધનોને આપણે ધનના સ્રોતના રૂપમાં જોઈએ છીએ. આપણે સ્વાર્થ માટે થઈને તેનો મન થાય એવો આડેધડ ઉપયોગ કરીએ છીએ. આપણે એ નથી વિચારતા કે આપણા બાળકોને સ્વચ્છ તેમજ શાંત પર્યાવરણ મળે છે કે નહીં. વધુને વધુ ધન કમાવાની લહાયમાં ખેડૂતો ખેત પેદાશોમાં વધુ ઉપજ લેવાની તાલાવેલીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો અંધાધૂંધ ઉપયોગ કરે છે, પરિણામે આજે દેશમાં પંજાબ હરિયાણા કે અન્ય રાજ્યોની હજારો હેક્ટર જમીન બંજર બની રહી છે. ખેત પેદાશોમાં રાસાયણિક દવાઓનો અમર્યાદ ઉપયોગ કરીને ખેત પેદાશોને ઝેરી બનાવવામાં આવી રહી છે. એમ કહેવું વધુ પડતું નહીં હોય કે આપણે જે પણ ખાઈએ છીએ,એ બધું ઝેર જ ખાઈએ છીએ. ફળફળાદિને દવાના છંટકાવ કરીને રાતોરાત પકાવી દેવામાં આવે છે અથવા તો તેનું કદ વધારવાના પણ નુસખા થઈ રહ્યા છે. આ બધી પ્રક્રિયા જિંદગી સાથેની રમત હોય એવું જોવા મળી રહ્યું છે. આવું ભયંકર પાપ કરતા પણ કોઈનો આત્મા ડંખતો નથી.નઆજે સાંસ્કૃતિક તહેવારોમાં અને રીત રિવાજમાં પર્યાવરણનું હિત જોવામાં આવતું નથી. દિવાળીનો તહેવાર હોય કે લગ્ન પ્રસંગમાં કરવામાં આવતી ફટાકડાની આતશબાજી દ્વારા હવાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. હોળીનો તહેવાર પણ શેરીએ શેરીએ અલગ અલગ પ્રગટાવીને ઉજવવામાં આવે છે. વાસ્તવમાં તો બધી કોલોનીઓ કે શેરીઓના લોકોએ ભેગા મળીને સામૂહિક હોળી પ્રગટાવવી જોઈએ, જેથી ઈંધણનો બચાવ થાય અને પર્યાવરણમાં પણ પ્રદૂષણ ઘટી શકે. કાયદાઓના કડક પાલન અને કોર્ટના આદેશ હોવા છતાં અનેક ફેક્ટરીઓ અકુદરતી રીતે ચલાવવામાં આવી રહી છે. આમાંથી દરરોજ નીકળતું ખતરનાક રસાયણ તેમજ ધુમાડો હવામાં ઝેર રેડી રહ્યાં છે. રોડ ઉપર આપણે જે વાહન ચલાવી રહ્યા છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે આ વાહનમાંથી નીકળતો ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે. તેમાંથી નીકળતો ગેસ ઝેરી વરસાદ થઈને આપણા ઉપર જ વરસશે. જે આપણી માટી તથા પેદાશોને ખરાબ કરશે. યુરોપીય દેશોમાં મોટાભાગે ઝરણાંઓ ઝેરી વરસાદને કારણે સૂકાઈ રહ્યાં છે. તેનાથી ન તો માછલી જીવતી રહી શકે,કે ન તો છોડ અને ઝાડ જીવી શકે. બદલતાં જલ -વાયુનું પ્રમુખ કારણ કાર્બન ડાયોક્સાઈડની વધુ પડતી માત્રા છે.દિવસે ને દિવસે ગરમ થતી ધરતીનો કેર વધતા તાપમાનના રૂપમાં અત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે. તાપમાનનું બદલાતું સ્વરૂપ માનવ દ્વારા પ્રકૃતિની સાથે કરવામાં આવેલ નિર્મમ અને નિર્દય વ્યવહારનું જ પરિણામ છે. આપણા સ્વાર્થમાં અંધ બનીને આપણે આપણું જીવન - પ્રાણ વાયુનો સફાયો કરી નાખ્યો છે. પરિણામે પ્રકૃતિના પ્રમુખ ઘટક જળ, વાયુ અને માટીથી સ્વયં આપણને વંચિત કરી નાખ્યાં છે. હાલમાં જે ગરમીનો પારો આસમાને પહોંચવા જઈ રહ્યો છે, તેનું કારણ માત્ર આ જ છે. ભૂતકાળમાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચતું ત્યારે વર્તમાન પત્રોની હેડલાઈન બનતી. તેની જગ્યાએ આજે તાપમાન ૪૮ ડિગ્રીથી પણ વધુ ઊંચે જઈ રહ્યું છે, એ શું દર્શાવે છે? આ તાપમાનને ૪૮માંથી ૫૦ અને ૫૦માંથી ૬૦ ડિગ્રી સુધી પહોંચતા વાર નહીં લાગે. આમને આમ તાપમાન ઊંચકાતું રહેશે અને ૬૦ ડિગ્રી સુધી પહોંચી જશે તો મનુષ્ય માટે જીવવું અશક્ય બની જશે.
તાજેતરમાં દૂરદર્શન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી જગ્યાનું ટેમ્પરેચર લેવામાં આવ્યું હતું, જે આ મુજબ હતું : ડામર રોડ ઉપર ૭૦ સેન્ટિગ્રેડ, આરસીસી રોડ ઉપર ૬૪.૬ સેન્ટિગ્રેડ, બ્લોક પાથરેલા રોડ પર ૬૧.૯ સેન્ટિગ્રેડ અને વૃક્ષ નીચેનું ટેમ્પરેચર ૩૯.૩ સેન્ટિગ્રેડ માલુમ પડ્યું હતું.આ આંકડાઓ જોઈને નક્કી થઈ શકે છે કે, વૃક્ષ નીચે ટેમ્પરેચર બેલેન્સ રહી શકે છે. કમભાગ્યે આજે દિવસેને દિવસે આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવાનાં બદલે વૃક્ષો કાપીને ઓછા કરી રહ્યા છીએ.
બીજી તરફ, વિશ્ર્વના અમુક દેશોમાં માણસ દીઠ આવેલા વૃક્ષોની સંખ્યા જોઈએ તો કેનેડામાં મનુષ્ય દીઠ ૧૦,૧૬૩ વૃક્ષ છે, ગ્રીનલેન્ડમાં ૪,૯૬૪ વૃક્ષ છે, ઓસ્ટ્રેલિયામાં મનુષ્ય દીઠ ૩,૨૬૬ તો, યુનાઇટેડ સ્ટેટમાં ૬૯૯, ફ્રાન્સમાં ૨૦૩, ઈથોપિયામાં ૧૪૩, ચાઈનામાં ૪૭ અને ભારતમાં મનુષ્ય દીઠ માંડ ૨૮ વૃક્ષ છે. આમ ભારતમાં મનુષ્ય દીઠ વૃક્ષોની સંખ્યા ખરેખર દુ:ખદ અને નિરાશા જનક છે.
‘માત્ર વૃક્ષો જ નહીં સાથે છાંયડો પણ
કપાય છે.’
-ધૂની માંડલિયા