વ્યક્તિલક્ષી પર્યાવરણની સાચવણી
હેમંત વાળા
મૂળ પ્રશ્ર્ન ઘણા જુદા છે. આ પ્રશ્ર્ન ત્રણ સ્તરના છે, વ્યક્તિગત, સામૂહિક અને વૈશ્ર્વિક. આ ત્રણેમાં વ્યક્તિગત બાબતો સૌથી મહત્ત્વની જણાય છે. પ્રશ્ર્ન વપરાશનો નથી, વ્યક્તિ દ્વારા કરાતા વપરાશના પ્રકારનો છે. પ્રશ્ર્ન અછતનો નથી, વ્યક્તિની માનસિકતાનો છે. પ્રશ્ર્ન આધુનિક વ્યવસ્થાનો નથી, સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે ઉદાસીનતાનો છે. આ બધા માટે વ્યક્તિ જવાબદાર છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ વ્યક્તિ વ્યક્તિ એકત્રિત થઈ સમાજ બને. જો ટીપું મીઠા પાણીનું હોય તો સરોવરમાં મીઠું પાણી ભરાય. તેવી જ રીતે વ્યક્તિ જો જવાબદાર હોય તો સમાજ જવાબદાર બની ઉભરે. આજનો જવાબદાર વ્યક્તિ સારા ભવિષ્યનો પાયો નાખી શકે.
સૃષ્ટિ પાસે હજી ઘણું છે, પ્રશ્ર્ન વહેંચણીનો છે. જમીન હજુ પણ ફળદ્રુપતા જાળવી રાખવા સમર્થ છે, પ્રશ્ર્ન જમીનને નીચોવી લેવાની વૃત્તિનો છે. આમ જોવા જઈએ તો માનવજાત માટે પૂરતું પાણી પૃથ્વી પર છે, પ્રશ્ર્ન બગાડનો છે. પેટ્રોલ હજુ પણ પૂરતા પ્રમાણમાં છે, પણ તેના વપરાશમાં સંયમ નથી. કુદરત પાસે હવા શુદ્ધ કરવાની સ્વ-સંચાલિત વ્યવસ્થા છે, પણ તેની જાળવણી કરવા કોઈ તૈયાર નથી. દરેકને ઘર મળી રહે તે પ્રમાણેની જમીન છે જ, ક્યાંક મર્યાદા બાંધવાની જરૂર છે. આ બધું જ વ્યક્તિગત ધોરણે થઈ શકે. બની શકે કે તેનો લાભ પોતાને ન મળે, પરંતુ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાથી જે સંતોષ મળે તેને અતુલ્ય ગણવો પડે.
વ્યક્તિને વાતાનુકુલ પરિસ્થિતિ વિના ચાલતું નથી. પીવા માટે તેને મિનરલ વોટર જોઈએ છે અને તે પણ પ્લાસ્ટિકની બોટલમાં. નાના અંતર માટે પણ તે વાહનનો ઉપયોગ કરતો હોય છે. જરૂરી ન હોય ત્યાં લાઈટ કે પંખા બંધ કરવાની આદત હવે ભુલાતી જાય છે. પોતાની પાસે પૈસા હોય તો વ્યક્તિને જાણે બગાડ કરવાની છૂટ મળી જાય છે. પર્યાવરણની બાબતો વીજળી-પાણી સુધી જ સીમિત નથી હોતી. અન્નનો બગાડ પણ એક રીતે જોતાં પર્યાવરણ પર એક વધારાનો બોજો છે. જરૂરિયાત કરતાં વધારે સામગ્રી ભેગી કરવી તે પણ પર્યાવરણને અસંતુલિત કરી શકે છે. ઘરના આંગણમાં પથ્થર જડી દેવાથી પણ પર્યાવરણના એક મહત્ત્વના અંગ – જમીનને નુકસાન તો થાય છે જ. કદાચ વ્યક્તિ વધારે પડતો સ્વ-કેન્દ્રિત થતો જાય છે. ક્યારેક તો એમ જણાય છે કે સિગરેટ પી ને પોતાની જાતને હાનિ પહોંચાડનાર વ્યક્તિ, પર્યાવરણ માટે સંવેદનશીલ તો ક્યાંથી
થઈ શકે.
વ્યક્તિએ વ્યક્તિગત ધોરણે કેટલીક વાતો સમજવી પડે. વૃક્ષ ઉગાડવાની વાતો થાય છે તે આવકારવા યોગ્ય છે. પ્રશ્ર્ન સંખ્યા અને સમયનો છે. જે ઝડપથી પર્યાવરણને હાનિ પહોંચે છે તે ઝડપથી વૃક્ષ ઉગાડવાની વાત પહોંચતી નથી. જે ઝડપે નુકસાની થઈ રહી છે તેનાથી વધુ ઝડપે કાર્ય થવું જોઈએ. જે ઝડપે પ્રશ્ર્નો વધી રહ્યા છે તેનાથી વધુ ઝડપે ઉત્તર શોધવા જોઈએ અને તેના પર કામ થવું જોઈએ. પર્યાવરણ પ્રત્યેની ઉદાસીનતા જે ત્વરિતતાથી વધતી જાય છે તેનાથી વધુ ત્વરિતતાથી જાગ્રતતા વધવી જોઈએ. શરૂઆત આજે જ થવી જોઈએ. વ્યક્તિ પોતાના ઓરડામાં જરૂરી કૃત્રિમ પ્રકાશની માત્રા વૈજ્ઞાનિક રીતે નિર્ધારીત કરી વીજળીની બચત કરી પર્યાવરણ સાચવવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.
સામાજિક કાયદા મદદરૂપ થઈ શકે, પણ જ્યાં સુધી વ્યક્તિ પોતે સંવેદનશીલ ન બને ત્યાં સુધી તે કાયદાના ઉલ્લંઘન માટેની છટકબારી ગોતી કાઢશે. વહીવટી અંકુશ અમુક પ્રકારનું નિયંત્રણ લાવી શકે, પણ અહીં પણ વ્યક્તિ સત્તા કે પૈસાના જોરે મનમાન્યું કરાવી શકે. ઇતિહાસ સાક્ષી છે કે કાયદા કે પોલીસથી ગુના ઓછા નથી થતા. સમાજની પ્રત્યેક વ્યક્તિ જ્યારે સ્વયં ગુનાથી દૂર રહે ત્યારે જ સમાજ ગુના-મુક્ત બની શકે. આ વાત પ્રત્યેક સમાજને પ્રત્યેક કાલખંડમાં લાગુ પડે છે.
વિશ્ર્વની પ્રત્યેક પ્રાચીન સંસ્કૃતિ પર્યાવરણની સાચવણી બાબતે પ્રત્યેક વ્યક્તિને કંઈ ને કંઈ શીખવાડી શકે છે.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં બે તગારા પાણીથી વાસણ સાફ થઈ જતા. આ પાણીને પછી ફળિયામાં ઢોળી દેવાતું. આજે જે રસોડાના સિંકમાં વાસણ ધોવામાં આવે છે તેનાથી પાણીની ખપત ત્રણ ગણી જેટલી વધી જાય છે, અને આ પાણી સીધું ગટરમાં જાય છે. આનો કોઈ ઉકેલ નથી. આ સત્ય સ્વીકારવું જ રહ્યું. પણ જ્યાં પાણીની બચત શક્ય હોય ત્યાં સભાનતાપૂર્વક પ્રયત્ન તો કરવા જોઈએ. સ્નાન માટે રોજ બાથટબ ભરવાની જરૂર નથી હોતી. દાઢી કરવા માટે નળ ચાલુ રાખવો જરૂરી નથી હોતો. ઘરની ટાંકી ભરાઈ જાય ત્યારે આપમેળે પ્રવાહ રોકાઈ જાય તેવી વ્યવસ્થા વ્યક્તિ પોતાના ઘરમાં કરી જ શકે છે. બે-ચાર કપડા માટે પણ વોશિંગ મશીનનો થતો ઉપયોગ રોકી શકાય છે. જેટલું પાણી પીવું હોય તેટલું જ ગ્લાસમાં ભરી શકાય છે. આવી સંભાવના તો ઘણી છે, જરૂરી છે વ્યક્તિની સંવેદનશીલતા, ઇચ્છાશક્તિ અને કૃતનિશ્ચયીતા.
એમ જણાય છે કે વ્યક્તિની જીવનશૈલી જ બગાડ કેન્દ્રિત છે. મોટા ઉદ્યોગ ગૃહ વાપરી અને ફેંકી દોની જે નીતિનો પ્રચાર પ્રસાર કરે છે તે બહુ જોખમી છે. સમય એવો છે કે હવે તો ઘડિયાળ પણ રીપેર થઈ શકતી નથી. ચાલે ત્યાં સુધી બરાબર છે, પછી નવી લેવાની. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે સંપન્ન વર્ગ જરૂરિયાત કરતા વધારે ઉપયોગ – ઉપભોગ કરી લે છે અને અન્ય લોકોની જરૂરિયાત પહોંચી વળવા પર્યાવરણ હાંફી જાય છે. ઘણીવાર તો જે લોકો શિખામણ આપે છે એ જ લોકો કદાચ વધારે વાપરી નાખે છે. આવી પરિસ્થિતિમાં બીજા પ્રત્યેથી અપેક્ષા રાખવાના સ્થાને દરેક વ્યક્તિ પોતાની જાતે સંવેદનશીલ બનીને થોડીક બદલાય, તો આપમેળે પર્યાવરણના પ્રશ્નો મંદ થતા જાય. સરકાર તેનું કામ કરે કે ન કરે, વ્યક્તિએ એ નક્કી કરવું જરૂરી છે કે પોતાના સંતાનોને તે કેવા પ્રકારની પરિસ્થિતિમાં મૂકીને જવા તૈયાર છે.
સમાજ એ વ્યક્તિઓનો સમૂહ છે. વ્યક્તિ-વ્યક્તિ એકત્રિત થઈને સમાજનું નિર્માણ થતું હોય છે. સમાજ ન બદલાય, વ્યક્તિ બદલાય. સમાજ બદલાતો નથી હોતો વ્યક્તિ બદલાઈ શકે. વ્યક્તિ પાણી બચાવે તો જ સમાજ પાણી બચાવી શકે. વ્યક્તિ સંવેદનશીલ રહે તો જ સમાજ સંવેદનશીલ છે તેમ કહેવાય. વ્યક્તિ જેવો ઉત્તરદાયિત્વનો ભાવ રાખે, સમાજનું ઘડતર તે પ્રમાણેનું થાય. કેન્દ્રમાં વ્યક્તિ છે. વપરાશ વ્યક્તિ કરે છે. બચત વ્યક્તિ કરી શકે. ફાયદો વ્યક્તિને થવાનો છે.
આજકાલ પર્યાવરણની સાચવણી કરતાં તે માટેના નાટક વધુ કવરેજ મેળવે છે. જે મકાનમાં દરેક ઓરડામાં વતાનુકુલ વ્યવસ્થા હોય ત્યાં લિફ્ટ પાસે એવી નોંધ જોવા મળી શકે કે વીજળી બચાવવા દાદરનો ઉપયોગ કરો. આ એક દંભ છે. પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવાની દોડમાં પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો જ ઉપયોગ જોવા મળશે. આ સૂચિ તો ઘણી લાંબી છે. વ્યક્તિએ પોતાની જાતને આ પ્રકારની પ્રવૃત્તિમાં પણ દંભ અને નાટકીયતા અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે છે તે વ્યક્તિના હાથમાં છે.