ટોપ ન્યૂઝ

ભારત-કેનેડા વિવાદ: કેનેડાએ નાગરીકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ટાળવા કહ્યું, બ્રિટન-યુએસની ટીપ્પણી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર સંસ્થાના એજન્ટનો હાથ હોવાના આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. હવે કેનેડાએ ભારત માટે તેની સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં લખ્યું છે કે સુરક્ષાની સ્થિતિને કારણે લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

કેનેડાની અપડેટ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળો. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે.” આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની મુસાફરીનો સમાવેશ થતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જર પર હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું.

મંગળવારે કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાંસદમાં કહ્યું હતું કે, “કેનેડાની ધરતી પર એક નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. અમે આ હત્યાની તપાસમાં સહયોગ કરવા માટે ભારત સરકાર પર દબાણ કરીશું. કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખોમાં તેમની સુરક્ષા બાબતે ડર છે. દેશમાં ભારતીય મૂળના 14-18 લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખ છે.” ત્યાર બાદ કેનેડા સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને કેનેડા છોડી દેવા કહ્યું હતું.

ભારત સરકારે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “કેનેડા સરકારે લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે. આવા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. જેમને કેનેડામાં સંરક્ષણ આપવામાં આવ્યું છે. તેઓ ભારતની સંપ્રભુતા અને અખંડિતતા માટે ખતરારૂપ છે.”

આ સાથે જ ભારત સરકારે ભારતમાં હાજર કેનેડાના વરિષ્ઠ રાજદ્વારી દેશ છોડી જવા આદેશ આપ્યા હતા. ભારત સરકારે તેમને દેશ છોડવા માટે 5 દિવસનો સમય આપ્યો હતો.

વડા પ્રધાન ટ્રુડોએ મંગળવારે સાંજે કહ્યું હતું કે કેનેડા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે સંબંધને બાબતે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે તપાસે અને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તેમને ઉશ્કેરવાનો કે આ અંગે વધુ આગળ વધવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ કેનેડા-ભારત વિવાદ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમામ દેશોએ અન્ય દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે યુકે સરકાર કેનેડાની સરકાર સાથે નિયમિત સંપર્કમાં છે. કેનેડાની તપાસ એજન્સીએ આની તપાસ કરવી જોઈએ, તપાસ રિપોર્ટ વિના આ મામલે ટિપ્પણી કરવી યોગ્ય નથી.”

બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ કહ્યું હતું કે કેનેડાથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ઘણા શીખો દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો છે જેઓ ચિંતિત છે, ગુસ્સામાં છે અને ડરેલા છે.

અમેરિકાએ એક નિવેદન જાહેર કરીને કેનેડાના આરોપો પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિને વોટસને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે વડાપ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. મહત્વનું છે કે કેનેડા તપાસને આગળ ધપાવે અને ગુનેગારોને કોર્ટ સમક્ષ લઇ આવે.’

આ બાબતે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, ‘કોંગ્રેસ હંમેશા માને છે કે જ્યારે દેશમાં આતંકવાદનો ખતરો હોય ત્યારે આપણામાં એકતા હોવી જોઈએ. ખાસ કરીને એવી ઘટનાઓ કે જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે, કોંગ્રેસ મક્કમતાથી કેન્દ્ર સરકારની સાથે છે.’

ભારતીય એજન્સી એનાઆઈએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button