Lok Sabha Election: ચૂંટણીમાં ટીએમસીના કીર્તિ આઝાદ વિજયી, યુસુફ પઠાણે અધીર રંજનને હરાવ્યા
નવી દિલ્હી/કોલકાતા: બે વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર કીર્તિ આઝાદ (Kirti Azad) અને યુસુફ પઠાણે (Yusuf Pathan) મંગળવારે લોકસભાની ચૂંટણીમાં પોતપોતાના મતવિસ્તારમાં જ્વલંત વિજય મેળવ્યો હતો. આ બન્ને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મમતા બૅનરજીના ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) વતી ચૂંટણી લડ્યા હતા.
1983ના વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમના કીર્તિ આઝાદ બર્ધમાન-દુર્ગાપુર મતવિસ્તારમાંથી 1,37,981 વોટના તફાવતથી જીતી ગયા હતા. તેમણે આ બેઠક પર ભાજપના દિલીપ ઘોષને પરાજિત કર્યા હતા. ઘોષ પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભાગવત ઝા આઝાદના પુત્ર કીર્તિ આઝાદ ભૂતકાળમાં ભાજપના સંસદસભ્ય હતા. 2015માં તેમણે એ સમયના નાણા પ્રધાન અરુણ જેટલીની દિલ્હી ક્રિકેટ અસોસિયેશનમાંના કથિત ભ્રષ્ટાચાર બદલ ટીકા કરી એને પગલે આઝાદને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. 2019માં તેઓ ધનબાદમાં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પણ હારી ગયા હતા અને 2021માં તેઓ ટીએમસીમાં જોડાયા હતા.
આ પણ વાંચો: તુષ્ટિકરણના રાજકારણ માટે ટીએમસીએ ઓબીસીના અધિકારો છીનવ્યા: વડા પ્રધાન મોદી
2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપના ચૅમ્પિયન ખેલાડી યુસુફ પઠાણે બંગાળમાં બહરામપુરની બેઠક પર કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને 64,084 વોટથી હરાવી દીધા હતા. યુસુફને 4,23,451 મત અને ચૌધરીને 3,59,367 મત મળ્યા હતા.
દરમ્યાન, પૅરાલિમ્પિક્સના ભાલાફેંકની હરીફાઈના ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરિયાએ રાજસ્થાનમાં ચુરુ મતવિસ્તારમાં ભાજપ વતી ચૂંટણી લડી હતી જેમાં ઝાઝરિયાનો કૉંગ્રેસના રાહુલ કાસવાન સામે 72,737 મતના તફાવતથી પરાજય થયો હતો.