પત્નીને વ્હૉટ્સએપ પર ટ્રિપલ તલાક આપનારા પતિ વિરુદ્ધ ગુનો
મુંબઈ: અફૅરની જાણ પત્નીને થતાં પતિએ વ્હૉટ્સએપ પર ટ્રિપલ તલાક આપ્યા હોવાની ફરિયાદ માલવણી પોલીસમાં નોંધાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અફનાન કય્યુમ પટેલ (23)ના નિકાહ 27 ડિસેમ્બર, 2023ના રોજ મંતેશા પટેલ (21) સાથે થયા હતા. જોકે લગ્ના અઠવાડિયામાં જ પત્નીને અણસાર આવી ગયો હતો કે પતિ તેને અવગણના કરી રહ્યો છે અને બીજી યુવતી સાથે મોબાઈલ ફોન પર ચૅટિંગ કરતો હોય છે.
જાન્યુઆરીમાં મંતેશાએ પતિનો મોબાઈલ ફોન તપાસતાં મોબાઈલ ચૅટિંગની વાત સામે આવી હતી. આ બાબતે પૂછતાં અફનાને કબૂલ્યું હતું કે તેને એક યુવતી સાથે પ્રેમ છે. તે પત્ની સાથે રહેવા ન માગતો હોવાનું પણ અફનાને કહ્યું હતું. ત્યાર પછી વારંવાર દંપતી વચ્ચે ઝઘડા થતા હતા અને અફનાન તલાક આપવાની વાત કરતો હતો.
મંતેશા 16 મેના રોજ પિયર ગઈ હતી ત્યારે અફનાને તેને ટ્રિપલ તલાકનો વ્હૉટ્સએપ મેસેજ મોકલાવ્યો હતો. શનિવારે અફનાન પત્નીને મળવા તેના ઘરે ગયો હતો. બન્ને વચ્ચે બોલાચાલી થયા પછી અફનાને ત્રણ વાર તલાક શબ્દ ઉચ્ચાર્યો હતો. પરિણામે મંતેશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.