વેપારશેર બજાર

સેન્સેક્સમાં ૨૫૦૭ પોઇન્ટનો જંગી ઉછાળો, શેરબજાર નવી વિક્રમી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
એક્ઝિટ પોલમાં શાસક પક્ષ લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજય મેળવશે એ પ્રકારના મજબૂત સંકેત મળવાને કારણે શેરબજારના બંને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. બેન્ક નિફ્ટી પણ ઇતિહાસમાં પહેલી વખત ૫૧,૦૦૦ની સપાટી વટાવી નવા શિખરે પહોંચ્યો છે.

સપ્તાહના પ્રથમ સત્રમાં ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૬,૭૩૮.૮૯ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ ૨૫૦૭.૪૭ પોઈન્ટ અથવા ૩.૩૯ ટકાના વધારા સાથે ૭૬,૪૬૮.૭૮ પોઈન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ બંધ થયો હતો.

જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ સત્ર દરમિયાન ૨૩,૩૩૮ પોઈન્ટની વિક્રમી ટોચ સુધી પહોંચ્યા બાદ ૭૩૩.૨૦ પોઈન્ટ અથવા તો ૩.૨૫ ટકાના વધારા સાથે ૨૩,૨૬૩.૯૦ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ બંધ રહ્યો હતો. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કો અને પીએસયુ કંપનીઓના શેરોમાં મોટા ઉછાળા જોવા મળ્યા હતા. અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી રહી હતી.

આ પણ વાંચો: Exit Poll Stock Market : શેરબજાર માં તોફાની તેજી: સેન્સેકસમાં 2000 પોઇન્ટની ઊંચી છલાંગ

બેન્કિંગ શેર્સમાં આવેલી તેજીના કારણે નિફ્ટી બેન્ક પ્રથમ વખત ૫૧,૦૦૦નો આંકડો પાર કરીને લગભગ ૨૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦,૯૭૯ પોઈન્ટ પર બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા હતા.

ભારતીય શેરબજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે શેરબજારનું માર્કેટ કેપ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. પ્રારંભિક આંકડા અનુસાર બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ૪૨૬.૨૪ લાખ કરોડ રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. ખૂલતા સત્રમાં જ માર્કેટ કેપમાં રૂ. ૧૩.૭૮ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો.

સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્કમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર લગભગ ૧૦ ટકાના ઉછાળા સાથે રૂ. ૯૧૨.૧૦ની લાઇફટાઇમ હાઇ સપાટી સુધી પહોંચ્યો હતો.

સેકટરલ ધોરણે જાહેર ક્ષેત્રના એકમો, પાવર, યુટિલિટી, ઓઇલ, એનર્જી, કેપિટલ ગૂડસ અને રિઅલ્ટી સેકટરના શેરોના ઇન્ડેક્સમાં આઠેક ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button