લોકસભાની મતગણતરી: બે સેના, બે એનસીપી, ભાજપ અને કૉંગ્રેસનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ
![Two armies, two NCPs, BJP and Congress fight for survival](/wp-content/uploads/2024/06/Lok-Sabha-polls.webp)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટેની મતગણતરીની શરૂઆત મંગળવારે સવારે 8.00 વાગ્યે થવાની છે. આ મતગણતરી અત્યંત મહત્ત્વની છે, કેમ કે આ ચૂંટણીના પરિણામો રાજ્યમાં રાજકીય પડદે બંને હરીફ શિવસેના જૂથો અને બંને હરીફ એનસીપી જૂથોની તાકાત નક્કી કરશે. આ ઉપરાંત કૉંગ્રેસ અને ભાજપને માટે પણ આ પોતાની તાકાત સિદ્ધ કરવા માટેની મોટી તક માનવામાં આવે છે.
રાજ્યના 289 મતગણતરી કેન્દ્રોમાં 4,309 કાઉન્ટિંગ ટેબલ પર 14,507 વ્યક્તિઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યના બધા જ મતગણતરી કેન્દ્રો પર ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એમ રાજ્યના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં આવનારા પરિણામો મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી (ઈન્ડી ગઠબંધન) માટે અત્યંત મહત્ત્વના છે, કેમ કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે ઉત્તર પ્રદેશની 60 બેઠક બાદ સૌથી વધુ છે.
મહાયુતિમાં રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી (એમવીએ-ઈન્ડી ગઠબંધન)માં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન
મહારાષ્ટ્રમાં 19 મેથી 20 જૂન સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં પાંચેય તબક્કાનું મળીને સરેરાશ 61.33 ટકા મતદાન થયું છે. રાજ્યમાં કુલ 1,121 ઉમેદવાર હતા, જેમાં કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, નારાયણ રાણે, પિયુષ ગોયલ, ભારતી પવાર, રાવસાહેબ દાનવે અને કપિલ પાટીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનસીપી-એસપીના સુપ્રિયા સુળે, તેમના ભાભી અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર, રાજ્યના પ્રધાનો સુધીર મુનગંટીવાર અને સાંદીપન ભૂમરે જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંકજા મુંડે, કૉંગ્રેસના વિધાનસભ્ય પ્રણીતી શિંદે, છત્રપતિ શાહુ મહારાજ, ઉદયનરાજે ભોસલે, જેવા મહત્ત્વના ઉમેદવારોનું ભાવિ પણ નિર્ધારિત થશે.
ભાજપે સૌથી વધુ 28 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે, શિવસેના યુબીટીએ બીજા નંબરના એટલે કે 21 બેઠક પર ઉમેદવાર આપ્યા છે. કૉંગ્રેસ 17, શિવસેના-15, એનસીપી-એસપી-10 અને એનસીપીએ ચાર બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે.
શિવસેનાના બંને જૂથો વચ્ચે 13 બેઠક પર આમને-સામને સીધી લડાઈ છે. જ્યારે એનસીપીના બે જૂથો વચ્ચે બારામતી અને શિરુરમાં સીધી લડાઈ છે.
રાજ્યમાં સૌથી ઓછું મતદાન દક્ષિણ મુંબઈ બેઠક પર 50.06 અને સૌથી વધુ મતદાન ગઢચિરોલી-ચિમુર બેઠક પર 71.88 ટકા થયું હતું. (પીટીઆઈ)