Bombay Bomb Blast : મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની કોલ્હાપુર જેલમાં હત્યા
કોલ્હાપુર : વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Bombay Bomb Blast) કેસના આરોપી મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને પાંચ કેદીઓએ માર મારતા તેનું મોત નિપજ્યું છે. મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક દોષિતને કોલ્હાપુરની (Kolhapur) સેન્ટ્રલ જેલમાં માર મારવામાં આવ્યો હતો. મુંબઈ બ્લાસ્ટના ચાર દોષિતોને કોલ્હાપુર જેલમાં રાખવામાં આવ્યા છે.
ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણ વડે હુમલો
આ અંગે પોલીસે જણાવ્યું કે કેદીઓએ તેના પર કોંક્રીટની બનેલી ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણ વડે હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.મુન્નાએ પોતાનું નામ મનોજ કુમાર ભવરલાલ ગુપ્તા પણ રાખ્યું હતું.
Read This Bomb threat: વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર ફૂલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો
ડીઆઈજી જેલ સ્વાતિ સાઠેએ જણાવ્યું હતું કે 59 વર્ષીય મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન પર બાથરૂમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક અન્ડર ટ્રાયલ કેદીઓએ ગટરની ઉપરથી લોખંડની જાળી ઉપાડી અને તેનાથી ખાનના માથા પર માર માર્યો હતો. જેના પછી તે જમીન પર પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા
આ હુમલાખોરોની ઓળખ પ્રતિક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોટ, સંદીપ શંકર ચવ્હાણ, ઋતુરાજ વિનાયક ઇનામદાર અને સૌરભ વિકાસ તરીકે કરવામાં આવી છે. કોલ્હાપુર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 1000 થી વધુ ઘાયલ થયા હતા.
જેલની અંદર સુરક્ષા વધારી દેવામાં આવી
કોલ્હાપુર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના પાછળ આરોપીનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયો નથી. આ હત્યા જેલની અંદર કોઈ વિવાદને કારણે થઈ છે કે પછી કોઈ અન્ય કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેલમાં બંધ મુંબઈ બ્લાસ્ટના બાકીના ત્રણ કેદીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર તેમને અન્ય બેરેકમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.