રહે ના રહે હમ, મહેંકા કરેંગેં
ફિલ્મનામા -નરેશ શાહ
૩૬ ભારતીય ભાષ્ાા અને ડચ, રૂસી, ફિજીયન, સ્વાહિલી તેમજ અંગે્રજી જેવી વિદેશી ભાષ્ાામાં પણ ગાઈ ચૂકેલાં લતા મંગેશકર વિષ્ો બે અભિપ્રાય જ આપણને મળે. એક, ભ્રમિત ઓપિનિયન : લતા મંગેશકર બારામાં અમે લગભગ બધું જાણીએ જ છીએ. બીજી દલીલ કલાભાવકને છાજે એવી થાય : લતાદીદીના મંદ મંદ વહેતાં ઝરણાંના રવ જેવો સ્વર અને દિલને શુકૂન દેતાં ગીતો જ અલ્ટિમેટ છે, સ્થૂળ માહિતી નહીં. અત્યંત પ્રિય કલાકાર માટે આવી ફિલીંગ થવી સહજ છે કારણ કે એ કલાકારની કલા સેંકડો વાર આપણા દિલને સ્પર્શીને મનોરંજન કરી ચૂકી હોય છે પણ લતાદીદીની વાત યુધિષ્ઠિરના રથની જેમ, વેંત ઊંચી અને વેગળી છે. પોતાના હજારો ગીત થકી આપણા આ ભારતરત્ન કોહિનુરની જેમ હૈયામાં જડાઈ ગયા છે પણ સેંકડો ગીતો થકી અજવાશ (નૈનો મેં બદરા છાઐં), ટાઢક (એ રી પવન ઢુંઢે કીસે તેરા મન) દિલાસો (મેરે નૈનાં સાવનભાદો), આધ્યાત્મિક્તા (જયોતિ કલશ છલકે), દેશપ્રેમ (એ મેરે વતન કે લોગોં) પીડા (લગ જા ગલે કે ફીર યે હસીન) દુલાર (ધીરે સે આજા રે અખિયન મેં), જુદાઈ (તુમ ન જાને કીસ જહા ંમેં ખો ગએ), ફિલસૂફી (હમને દૈખી હૈ ઉન આંખો કી મહેંક્તી ખુશ્બુ), સ્મરણ (જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ), ખુશાલી (રહે ના રહે હમ, મહેંકા કરેંગે), બેવફાઈ (ગેરોં પે કરમ, આપનોં પે સિતમ), ઊમંગ (આજ ફીર જીને કી તમન્ના હૈ) જેવી તમામ માનવીય સંવેદનાઓ અને ભારતીય તહેવાર-સંસ્કૃતિને સ્પર્શી જતાં અમર ગીતો થકી લતા મંગેશકર આપણા ડીએનએનો એક હિસ્સો બની ચૂક્યા છે. લતા મંગેશકર માત્ર ગાયિકા નથી રહ્યાં, એ પ્રત્યેક ભારતીયના જીવનનો એક મુલાયમ અંશ બનીને ભળી ગયેલું સૂરોનું સામ્રાજ્ય છે. લતા મંગેશકરના ગીતો ન સાંભળ્યા હોય તેવો ટીનએજથી મોટો ભારતીય કદાચ, એશિયન મળવો મુશ્કેલ છે કારણકે લતાદીદીએ પંચોતેર વરસની ઉંમરે (ર૦૦૪માં) ગાયેલાં વીરઝારાના ગીતો (ખાસ કરીને, તેરે લીએ, હમ હૈ જીએ, હોઠોં કો સીએ) પણ ચાર્ટ બસ્ટર રહ્યાં હતા.
નેવું વરસની ઉંમરે લતાજી બહુ બહાર નીકળતા નહોતાં પણ ક્યારેક જે મર્સીડીઝ કાર વાપરતાં, એ તેમને વીરઝારા ફિલ્મના ગીતોથી ખુશ થઈને યશ ચોપરાએ ભેટમાં આપેલી છે. રાજકપૂર અને યશ ચોપરા – બે એવા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રહ્યાં, જેમની તમામ ફિલ્મો લતા મંગેશકરના ગીત વગર કદી કમ્પલીટ નહોતી થતી. મધુબાલા એવી એકમાત્ર અભિનેત્રી હતા, જેઓ નવી ફિલ્મ સાઈન કરતી વખતે કોન્ટ્રાકટમાં જ એ શરત લખાવતાં કે તેમના પરનું પાર્શ્ર્વગાયન માત્ર લતા મંગેશકર જ કરશે અને એમ જ થતું હતું. યશરાજ બેનરના ટાઈટલમાં પણ લતાદીદીનો આલાપ જ આપણને સાંભળવા મળે છે તો ૧૯૬૩ પછી એકેય ર૬ મી જાન્યુઆરી કે ૧પ મી ઓગસ્ટ એવી ગઈ નથી કે આપણા મહૌલ્લા, વિસ્તાર, ગામ કે શહેરમાં એ મેરે વતન કે લોગોં ગૂંજયું ન હોય. આ ગીત તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સમક્ષ્ા ગાયું ત્યારે તેઓ રડી પડયા હતા. એ ગીત ગાઈને લતાજી મંચની પાછળ જઈને બેસી ગયા ત્યારે મહેબુબખાન સાહેબે આવીને કહ્યું કે, લતા, તને પંડિતજી બોલાવે છે… લતાજીને યાદ છે કે, હું પંડિતજી પાસે ગઈ. મહેબુબસાહેબે મારો પરિચય કરાવ્યો, તો તેઓ બોલ્યા : બેટા, તે આજે મને રડાવ્યો. હું ઘર જાઉં છું. તું પણ સાથે આવે અને મારા ઘેર આવીને ચા પી બધા સાથે બધા સાથે લતાજી પંડિતજીના ઘેર, તીન-મૂર્તિ ભવન ગયા, જયાં ઈન્દિરા ગાંધીએ લતાજીને તેના બે બાળચાહકો સાથે મેળાપ કરાવ્યો. એ બાળકો હતા : રાજીવ ગાંધી અને સંજય ગાંધી.
એ પછી એક વખત મુંબઈમાં લતાજીનો કાર્યક્રમ હતો ત્યારે ખાસ આ ગીત સાંભળવા પંડિતજી બિમાર હોવા છતાં આવેલા. ગીત સાંભળીને, લતાજીને મળીને પંડિતજી નીકળી ગયા અને થોડા જ મહિના પછી તેમનું અવસાન થયું
જી, આ આપણું આદરણીય ભારતરત્ન છે, જેણે લાગલગાટ સાત સાત દશકા સુધી યાદગાર અને લાજવાબ ગીતો આપીને આપણો ય ભૂતકાળ અને વર્તમાન તાજગી ભર્યો બનાવ્યો છે. ર૮ સપ્ટેમ્બર, ૧૯ર૯ના દિવસે જન્મેલાં લતા મંગેશકર તેર વરસની ઉંમરે મરાઠી ફિલ્મમાં ગીત ગાય છે પણ એ ગીત એડિટીંગ ટેબલ પર કટ થઈ જાય છે. નેકસ્ટ ઈયર અન્ય એક મરાઠી ફિલ્મમાં તેઓ હિન્દી ગાય છે. ૧૯૪પમાં લતાદીદી મુંબઈ શિફટ થાય છે અને એ દશકનું પ્રથમ હિટ ગીત ૧૯૪૯માં આપણને મળે છે : આયેગા આનેવાલા, આયેગા (મહલ).
પચાસના દશકામાં ઉન કો યે શિકાયત હૈ કી હમ કુછ નહીં કહેતેનો ખુમાર ચઢે છે એ સાઈઠના દશકામાં ન તુમ બેવફા હો, ન હમ બેવફા હૈ થી વધુ ઘટ્ટ બને છે તો સિતેરના દાયકામાં આજ સોચા તો આસું ભર આયે અને ઔર ચાબી ખો જાએ ને હજુ માણો ત્યાં એંસીમાં હમ બને તુમ બને, એક દૂજે કે લીએના તમે એડિકટ થઈ જાવ અને એ છેક ર૦૦૮માં વીરઝારા સુધી ચાલતું રહે… તમને એમ જ લાગે કે લતાદીદીનું ગળું દૈવીય શક્તિનું સાક્ષ્ાાત સ્વરૂપ હતું. સાઈઠ-સાઈઠ વરસ સુધી કોઈ આવું સૂરીલું, મુલાયમ ગળું સાચવી જ કેમ શકે ? અને સાચવી શકે તો પણ કેમ એને ઉંમરની આમન્યા ન નડે
છોટા મુંહ, બડી બાત પણ કહેવાનું મન થાય છે કે લતાદીદીના ગીતો, એ આપણા પર તેમણે કરેલો ઉપકાર છે
- અને યતીન મિશ્રની ‘લતા : સુર-ગાથા’માંથી તમે પસાર થાવ છો ત્યારે સતત એવું લાગતું રહે છે કે, જાણે આપણે અમસ્તાં-અમસ્તાં લતાદીદી સાથે બેઠાં-બેઠાં ભરપૂર આદર સાથેના પ્રશ્ર્નો પૂછતાં રહીએ છીએ અને લતાજી, જાણે આપણને તેના વિગતવાર ઉતરો આપી રહ્યાં છે. યતીન મિશ્રએ લતા : સુર-ગાથા માટે સતત સાત વરસ (ર૦૧૦ થી ર૦૧૭) સુધી લતા મંગેશકર સાથે રૂબરૂ-ફોન પર વાત કરી અને સવાલ-જવાબ સ્વરૂપે (પુસ્તકમાં પોણા ચારસો પાનાઓમાં આ સવાલ-જવાબ છે ) તેને ગ્રંથસ્થ ર્ક્યા છે. તમને કે મને, સૂઝે એ તમામ પ્રશ્ર્નો યતીન મિશ્રએ લતાદીદીને ર્ક્યા છે, તેમાં લતાજીની ફેવરિટ વાનગી (ઈન્દોરના ગુલાબ જાંબુ અને દહીંવડા), અધૂરી રહી ગયેલી ઈચ્છા (આખી ભગવદગીતાને ગાવાની ખ્વાહીશ), પાકિસ્તાન ન જવાનું કારણ (એ લોકો મને પાછી ન આવવા દે તો ), મેકઅપનો શોખ (લતાજી ચહેરા પર પાઉડર લગાવવાના આગ્રહી છે ) થી માંડીને રેપિડ રાઉન્ડ (સંગીતકાર – ગીતકારના નામોલ્લેખ સાથે તરત યાદ આવતું કોઈ એક ગીત) જેવા સવા લાખ લવીંગીયા પણ ફોડયાં છે. આવી જ વાતચીતમાં આપણને બે નવી વાતો જાણવા મળે છે કે, પોતાને મા કહેતાં સચિન તેંડુલકરને લતાજીએ મેરા સાયા ફિલ્મનું પોતાનું ગીત સર્મપિત ર્ક્યું છે : તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા
સચિન માટે હું આવી જ લાગણી અનુભવું છું એમ કહેતાં લતા મંગેશકરને એક ગીત ગુલઝારસાહેબે અર્પણ ર્ક્યું છે, જે આજે પણ લતા મંગેશકરના જન્મ દિવસે ચેનલ પર બેકગ્રાઉન્ડમાં વાગતું આપણે સાંભળ્યું છે. આ ગીત ગુલઝારસાહેબે લતાદીદીને ધ્યાનમાં રાખીને જ લખેલું: નામ ગુમ જાએગા, ચહેરા યે બદલ જાએગા, મેરી આવાઝ હી પહેચાન હૈ… ગર યાદ રહે .
વધુ આવતા સપ્તાહે