નવી દિલ્હી: વર્ષ 2020માં દિલ્હી(Delhi Riots)માં થયેલા રમખાણોના આરોપી ઉમર ખાલીદની જામીન અરજી દિલ્હીની કરકરડૂમા કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. એવામાં આ કેસના વધુ એક આરોપી શરજીલ ઈમામ(Sharjeel Imam )ને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે, શરજીલ JNUનો વિદ્યાર્થી રહી ચુક્યો છે, તેના વિરુદ્ધ રાજદ્રોહ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓના આરોપો સામેલ છે.
દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)ના જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની ખંડપીઠે શરજીલ ઈમામના જામીન મંજૂર કર્યા હતા. દિલ્હી રમખાણો દરમિયાન દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ શરજીલ ઇમામની રાજદ્રોહ અને UAPA કેસમાં ધરપકડ કરવામાં આવી હતી..
ટ્રાયલ કોર્ટે શરજીલ ઈમામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, તેણે દલીલ કરી હતી કે દોષિત ઠરાવવાના કિસ્સામાં તેને આપવામાં આવી શકે તેવી મહત્તમ સજાના અડધાથી વધુ સમય તેણે જેલમાં પસાર કરી લીધો છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની ખંડપીઠે શરજીલ ઈમામ અને દિલ્હી પોલીસના વકીલને સાંભળ્યા બાદ કહ્યું, “અપીલને મંજૂરી આપવામાં આવે છે.”
પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે 13 ડિસેમ્બર, 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયામાં અને 16 ડિસેમ્બર, 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભાષણો આપ્યા હતા, જ્યાં તેણે આસામ અને બાકીના ઉત્તરપૂર્વને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.
ઈમામે ટ્રાયલ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તે છેલ્લા ચાર વર્ષથી કસ્ટડીમાં છે અને જો તે દોષિત સાબિત થાય તો UAPAની કલમ 13 હેઠળના ગુના માટે તેને મહત્તમ સજા 7 વર્ષ થઇ શકે છે.
CrPCની કલમ 436-A મુજબ, જો કોઈ વ્યક્તિ ગુના માટે નિર્ધારિત મહત્તમ સજાના અડધા કરતાં વધુ સમય જેલમાં પસાર કરી ચૂક્યો હોય તો તેને કસ્ટડીમાંથી મુક્ત કરી શકાય છે.