રાજસ્થાનના ઉદયપુરમાં ફૂડ પોઇઝનિંગથી ત્રણના મોત
જયપુરઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગના કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય 36 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
કોટરા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક કુમારે જણાવ્યું કે સોમવારે રાત્રે સાવન ક્યારા ગામમાં એક કાર્યક્રમમાં લગભગ 80 લોકોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે રાત્રિભોજન પછી તરત જ કેટલાક લોકોને ઉલટી અને ઉબકા આવવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલા અને બે પુરુષોના મોત થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ બાબુ ગમાર (30), મસરૂ ગમાર (28) અને અમિયા પારગી (35) તરીકે થઈ છે. કોટરા બ્લોકના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર શંકરલાલ ચવ્હાણે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. મૃત્યુનું શંકાસ્પદ કારણ ફૂડ પોઈઝનિંગ છે.
કોટરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 11 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 25 લોકોને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.