બિહારના પાલીગંજમાં રાહુલ ગાંધીની સભામાં સ્ટેજ તૂટ્યો, મીસાએ હાથ પકડી પડતા બચાવ્યા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારના પ્રવાસે હતા.પાટલીપુત્ર લોકસભા સીટના પાલીગંજમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની સભાનું સ્ટેજ તૂટી પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. રાહુલ ગાંધી આ દુર્ઘટનાથી બચી ગયા હતા. પાટલીપુત્રના આરજેડી નેતા તથા ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર મીસા ભારતી, જે સ્ટેજ પર હાજર હતા, તેમણે રાહુલ ગાંધી નો હાથ પકડીને તેમને નીચે પડતા બચાવી લીધા હતા. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ તેમના સુરક્ષાકર્મીઓને કહ્યું કે તેઓ ઠીક છે. જો કે આ ઘટનાથી જાહેર સભામાં થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ થોડા સમય પછી બધું બરાબર થઈ ગયું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરવા બિહાર આવ્યા હતા. બિહારમાં તેમની ત્રણ જાહેર સભાઓ પટના સાહિબ, પાટલીપત્ર અને આરામાં યોજવાનો કાર્યક્રમ હતો. તેની શરૂઆત પટના સાહિબ લોકસભાના બખ્તિયારપુરથી થઈ હતી જ્યાં મીરા કુમારના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર અવિજિત અંશુલ માટે વોટ કરવાની લોકોને અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી આગામી વખતે પીએમ નહીં બને.
ત્યાર બાદ બાદ રાહુલ ગાંધી મીસા ભારતી માટે વોટ માંગવા માટે પાટલીપત્ર લોકસભાના પાલીગંજ પહોંચ્યા હતા. પાલીગંજમાં આયોજિત જાહેર સભાના મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટેજનો એક ભાગ જ્યાંથી રાહુલ પોતાનું ભાષણ આપવા જઈ રહ્યા હતા તે અંદર ધસી ગયું હતું. આરજેડી ઉમેદવાર મીસા ભારતી પણ ત્યાં હાજર હતી. તેમણે રાહુલ ગાંધીનો હાથ પકડીને સંભાળ્યા હતા.
જો કે થોડી વાર પછી સુરક્ષાકર્મીઓ પણ આવી પહોંચ્યા હતા, પરંતુ રાહુલે કહ્યું કે તે ઠીક છે. આ દરમિયાન પણ રાહુલ ગાંધી હસતા અને લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. જોકે સભામાં થોડો સમય હલચલ મચી ગઈ હતી. પરંતુ રાહુલ ગાંધીના અભિવાદન બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. સભાના અંતે રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા.