મુંબઇઃ IPL 2024ની ફાઇનલમાં KKR જીતી ગયું છે. 10 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ જીતથી અભિનેતા શાહરૂખ ખાન બહુ જ ખુશ છે અને જો રિપોર્ટ્સનું માનીએ તો, KKR ટીમના માલિક શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને આગામી 10 વર્ષ સુધી તેમની ટીમમાં રહેવા માટે ‘બ્લૅન્ક ચેક’ ઑફર કર્યો છે. ગંભીરને LSGમાંથી KKRમાં લાવવામાં શાહરૂખ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી.
T20 વર્લ્ડ કપ 2024 પછી, રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અહેવાલ મુજબ, બીસીસીઆઈએ કોચ પદ પર ચાલુ રાખવા માટે દ્રવિડનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને તેમાં રસ ન હતો. આ દરમિયાન ઘણા મોટા વિદેશી કોચના નામ પણ સામે આવ્યા હતા, પરંતુ તેમણે પણ આ જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન જય શાહનું એક નિવેદન ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ક્યારેય કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો મહત્વના પદ માટે સંપર્ક કર્યો નથી. તેમના નિવેદનથી લગભગ સ્પષ્ટ થઈ જાય છે કે ટીમ મેનેજમેન્ટ ક્યાંકને ક્યાંક ભારતીય કોચ તરફ જોઈ રહ્યું છે. ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી ગૌતમ ગંભીરનું નામ મુખ્ય કોચની રેસમાં સૌથી આગળ છે. તે આ પોસ્ટ પર કામ કરવા પણ ઇચ્છુક છે, પણ……
શાહરૂખ ખાને ગંભીરને આગામી 10 વર્ષ સુધી ટીમ સાથે રહેવા માટે ‘બ્લેન્ક ચેક’ ઓફર કર્યો છે. બીસીસીઆઈ પણ ભવિષ્યમાં ગંભીરને કોચ પદ આપવા માટે ગંભીરપણે વિચારી રહી છે.
હાલમાં ગંભીર સાથે અટવાયેલો મુદ્દો એ છે કે જો તે ભારતીય ટીમમાં સામેલ થવા માંગે છે તો તેણે શાહરૂખ ખાન સાથે ફરી એકવાર ચર્ચા કરવી પડશે. ચર્ચા બાદ તે શું નિર્ણય લે છે તે ખૂબ જ રસપ્રદ રહેશે. KKRની ‘બ્લેન્ક ચેક’ની ઓફર તો ખુલ્લી જ છે.