નીતિન ગડકરીને હરાવવા મોદી-શાહ-ફડણવીસ મેદાનમાં… રાઉતનો ગંભીર આક્ષેપ
મુંબઇઃ લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે અને સહુનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર છે ત્યારે સંજય રાઉતે ભાજપની આંતરિક રાજનીતિ પર ટિપ્પણી કરી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નાગપુર લોકસભામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને હરાવવા માટે નક્કર પ્રયાસ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક લેખમાં સંજય રાઉતે મોદી, શાહ અને ફડણવીસ પર નીતિન ગડકરીને હરાવવા માટે કાવતરા કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
સંજય રાઉતે કહ્યું છે કે 4 જૂન પછી ભાજપમાં મોદી-શાહને કોઈ સમર્થન નહીં મળે. નાગપુરમાં ગડકરીને હરાવવા માટે મોદી-શાહ-ફડણવીસે સાથે મળીને કામ કર્યું હતું. ગડકરી હાર્યા નથી તેની ખાતરી થયા પછી, ફડણવીસે અનિચ્છાએ નાગપુરમાં પ્રચાર શરૂ કર્યો. સંઘના લોકો નાગપુરમાં ખુલ્લેઆમ બોલતા જોઈ શકાય છે કે ગડકરીની હાર માટે ફડણવીસે ષડયંત્ર રચ્યું છે.
રાઉતે લખ્યું છે કે જે હાલ ગડકરીના થશે તે જ હાલ યોગી આદિત્યનાથના પણ કરવામાં આવશે. બધાને જાણ છે કે જો મોદી, અમિત શાહ ફરી સત્તા પર આવશે તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ઘરે મોકલી દેશે.
આ પણ વાંચો : નીતિન ગડકરીનો કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ કહ્યું, ‘કોંગ્રેસે બંધારણમાં 80 વખત સુધારો કર્યો’
‘જે ગડકરીનું થશે તેવું જ યોગીનું થવાનું છે. જો અમિત શાહ ફરી સત્તા પર આવશે તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ઘરે મોકલી દેશે. તેથી જ યોગી સમર્થકો દ્વારા ‘યોગી કો બચાના હૈ, તો મોદી કો જાના હૈ’ એવો સંદેશો ફરતો કરવામાં આવ્યો હતો. આ કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપ 30 બેઠકો ગુમાવશે. યોગી અને ઉત્તર પ્રદેશના લોકોએ પહેલા મોદી-શાહને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. તેનું પરિણામ 4 જૂને જોવા મળશે,’ એવો આક્ષેપ રાઉતે કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શુંદે વિશે તેમણે લખ્યું હતું કે, ‘આ ચૂંટણીમાં એકનાથ શિંદેએ દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછા 25 થી 30 કરોડ રૂપિયા ખર્ચીને વોટ ખરીદ્યા છે. અજિત પવારનો કોઈ ઉમેદવાર ચૂંટાઈ ન જાય તે માટે શિંદે અને તેમના તંત્રએ ખાસ પ્રયાસો કર્યા હતા.’