માટી સભી કી કહાની કહેગી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
જ્યારે આપણે આવનારી સદીમાં પ્રવેશ કરીશું ત્યારે આપણી પાસે પથ્થરો ને ઈંટો રહી જશે, ચૂનો પણ ઘણો હશે… પણ જેને ‘માટી’ કહેવાય છે એ બચશે નહીં. આજે મહાનગરોમાં કુંડામાં નાખવા માટે પણ સાદી માટી ખરીદવી પડે છે. ઘણાં વેપારીઓ કમ નેતાઓ માટીનાં કે રેતીનાં ધંધા સાથે સંકળાયેલા છે. વર્ષોથી એવું કહેવામાં આવે છે કે માટીની કોઈ કિંમત નથી, પણ હવે એ વાત લાગુ નથી પડતી. માટીની કિંમત આજકાલ કુંભારની મજૂરી કરતાં વધારે છે.
આમ તો સરકાર ઘણી બધી વાતો પર વિચાર કરે છે અને એને પૂરી કરવાની જાહેરાતોય કરે છે, પણ એ ક્યારેય પૂરી થતી નથી. પણ જો હાઉસિંગ મિનિસ્ટરના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવે તો આપણે આવતી સદીમાં પ્રવેશ કરીએ ત્યાં સુધીમાં ભારતમાં એટલાં બધાં મકાનો બની જશે કે એમાં ભારતનો દરેક નાગરિક રહી શકશે. મતલબ કે ખાવા-અનાજ કે પીવા માટે પાણી હોય કે નહીં, પણ રહેવા માટે ઘર ચોક્કસ હશે.
અને સરકારી વિભાગો જેને ઘર કહે છે ત્યારે એનો અર્થ માટીનું ઘર કે ઘાસની ઝૂંપડી નથી હોતો, હોં ઘરનો સરકારી અર્થ છે : ઈંટ, સિમેન્ટ, ચૂનો, લોખંડ, લાકડા વગેરેનું બહુમાળી બાંધકામ, જે યોજના મુજબ, મંજૂર થયેલા નકશા મુજબ, નેતા-અધિકારીઓ વગેરેને બિલ્ડરો પાસેથી મળતાં કમિશન નક્કી થયા પછી એન્જિનિયરની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટરે નફો મેળવીને બનાવ્યું હોય. વી ઘર..આ ઘરોમાં લોખંડના પતરાની કે ઘાસની છત નથી હોતી. એમાં ઈંટ, સિમેન્ટની છત હોય છે, જેને લોખંડનાં ટેકાથી બનાવવામાં આવે છે. આને આધુનિક ઘર કહેવામાં આવે છે.
હવે ભવિષ્યમાં આટલાં બધાં ઘરો માટે ઇંટો ક્યાંથી આવશે?
સ્વાભાવિક છે કે આપણે આપણા દેશની માટી, જેને આજે ખેતી, જંગલો અને ઘાસ ઉગાડવા માટે વાપરીએ છીએ એને ખોદીશું અને એમાંથી ઇંટો બનાવીશું. માંગ અને પુરવઠાના નિયમો હેઠળ કામ કરીશું. માટી ઘટતી જશે અને ઇંટો વધતી જશે. જ્યારે તમે બે મુઠ્ઠી માટીમાંથી એક ઈંટ બનાવી લો ત્યાર પછી એ ઈંટને ફરીથી માટી બનતા હજારો વર્ષો લાગે છે. ઇસવીસન પૂર્વેના સાત હજાર વર્ષ પહેલાં જે માટીને ઈંટના આકારમાં શેકવામાં આવી હતી એ આજ સુધી પાછી માટીમાં ફેરવાય નથી. વર્ષોથી જે લોકો પથ્થર અને માટીનાં ઘરોમાં લાકડાની કે ઘાસની છત બનાવીને અથવા તંબુમાં રહ્યા છે એમણે આ જગત પર મોટો ઉપકાર કર્યો છે, કારણ કે એમણે આ ધરતીની માટીને માટીમાંથી ઈંટ બનતા રોકી છે.
આજની સંસ્કૃતિ અને વિદેશ પ્રવાસો કરતી સરકારો એવાં ઘરોને ‘ઘર’ નથી માનતી અને એવા કુદરતી જીવનને જીવન નથી માનતી, જ્યાં લોકો ઇંટો વગર પણ ઘર બનાવીને રહે છે. એટલે જ સરકારો, હંમેશાં બધાં માટે પાકાં મકાનો બનાવવાની જાહેરાત કરે છે. એમનો ઈરાદો આ દેશની બધી માટીને ખતમ કરવાનો છે. માટીને પૂરી કરી નાખવાનો છે.
જો કે, ગભરાવાની જરૂર નથી. આપણી માટી એમ પૂરી નહીં થાય. સલામત રહેશે. આપણે આશા રાખવી જોઈએ કે ગરીબી દૂર કરીશું, આર્થિક-સામાજિક સમાનતા લાવીશું, બધાંને શિક્ષણ મળશે, બધે વૃક્ષો વાવીશું, રોગો નાબૂદ કરીશું, ગરીબોને સામાજિક ન્યાય અપાવીશું- જેવા સરકારના કેટલાંય અધૂરાં વચનોની, જેમ સરકારનું આ વચન પણ સરકારી સાબિત થશે એટલે કે અધૂરું રહેશે, જેથી આ દેશની માટી, જેણે કેટલાય મહાપુરુષોથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓ કે દાણચોરો પેદા કર્યા છે એ બધા અમર રહેશે. ઇંટોના રૂપમાં નહીં, પરંતુ શુદ્ધ માટીના રૂપમાં.પણ આ યુગમાં જ્યાં મનુષ્યની પ્રગતિ ધંધાદારીઓના સ્વાર્થ સાથે જોડાયેલી છે ત્યાં માટીનું માટી બની રહેવું મુશ્કેલ છે.