આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં લોકસભાની ચૂંટણી ૨૦ મેના પૂરી થવાની સાથે જ મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. શનિવાર, ૩૦મેથી પાંચ ટકા અને બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.

જળાશયોની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી બહુ પહેલા જ પાણીકાપ લાગુ કરવાની પાલિકા પ્રશાસનની યોજના હતી. જોકે લોકસભાની ચૂંટણીને કારણે રહેલા રાજકીય દબાણને કારણે પ્રશાસન પાણીકાપ લાગુ કરવાથી દૂર રહી હોવાનું કહેવાય છે. જોકે હવે મુંબઈમાં ૨૦ મેના લોકસભાની ચૂંટણી થઈ ગઈ છે, તેથી તુરંત જળાશયોની સપાટીની સમીક્ષા કરીને પાણીકાપ લાદી દેવાની જાહેરાત પ્રશાસને કરી હોવાનું કહેવાય છે.

પાણીકાપ જાહેર કરવાની સાથે જ પાલિકાએ નાગરિકોને પાણીનો ઉપયોગ કરકસર સાથે કરવાની અપીલ કરી છે. તેમ જ જ્યાં સુધી ચોમાસામાં સંતોષજનક વરસાદ પડે નહીં અને જળાશયોની સપાટીમાં વધારો થાય નહીં ત્યાં સુધી આ પાણીકાપ મુંબઈમાં રહેશે એવું પણ પાલિકાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ મિલિયલ લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.

આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…

મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પાણીની સપાટીમાં મોટો ઘટાડો થયો છે. શનિવારે સવારના સાતેય જળાશયોમાં પાણીનો કુલ જથ્થો ૯.૬૯ ટકા એટલે કે ૧.૪૦ લાખ મિલિયન લિટર જેટલો હતો. ગયા વર્ષે આ જ દિવસે જળાશયોમાં ૨.૧૮ લાખ એટલે કે ૧૫.૧૦ ટકા પાણીનો જથ્થો હતો. તો ૨૦૨૨માં જળાશયોમાં ૨.૮૮ લાખ મિલિયલ લિટર એટલે કે ૧૯.૯૫ ટકા હતો.

વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં ચોમાસું ૧૫ ઑક્ટોબર સુધી સક્રિય હતું. જોકે ૨૦૨૩ની સાલમાં ઑક્ટોબર મહિનામાં પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ રહ્યો હતો. પરિણામે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો જથ્થો લગભગ ૫.૬૪ ટકા ઓછો છે.

પાલિકાના પાણીપુરવઠાના અધિકારીના જણાવ્યા મુજબ અમે પાણીના સ્ટોક પર સતત નજર રાખી રહ્યા છે અને દરરોજ આયોજનબદ્ધ રીતે પાણી પૂરું પાડી રહ્યા છે, જેમાં હાલ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં પાઈપલાઈનના સમારકામ હાથ ધરવામાં આવ્યા છે અને જે અંતર્ગત ૨૪થી ૪૮ કલાક માટે સંબંધિત વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવી રહ્યો છે. આ વર્ષે ભારતીય હવામાન ખાતાએ સમયસર ચોમાસાના આગમનની જાહેરાત કરી છે, તેથી અમે સકારાત્મક છીએ.

ચોમાસા દરમિયાન સંતોષજનક વરસાદ પડ્યા બાદ જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયા બાદ આ પાણીકાપ પાછો ખેંચવામાં આવશે એવું પાલિકા પ્રશાસને કહ્યું હતું.

થાણે, ભિવંડીમાં પણ પાણીકાપ
લિકાએ મુંબઈમાં ૩૦ મે, ૨૦૨૪થી પાંચ ટકા પાણીકાપ અને બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી ૧૦ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે, ભિવંડી-નિઝામપૂર મહાનગરપાલિકા સહિત અન્ય ગામોને જે પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં પણ પાંચ ટકા અને ૧૦ ટકા પાણી લાગુ કરવામાં આવ્યો છે.

પાણીનો વેડફાટ થતા આ રીતે રોકો:
પાલિકાએ પાણીનો વેડફાટ રોકવા અને પાણીની બચત કરવા માટે લોકોને સૂચનો કર્યા છે. ગ્લાસમાં આવશ્યક હોય એટલું પાણી લેવું. શાવરનો ઉપયોગ નહીં કરતા બાલદીમાં પાણી લઈને ન્હાવું, નળ ખુલ્લો રાખીને દાંત સાફ કરવાનું તથા શેવિંગ કરવાનું ટાળવું. આગલા દિવસે ભરેલું પાણી બીજા દિવસે વાસી સમજીને ફેંકવું નહીં, વોશિંગ મશીનમાં શક્ય હોય તો એક જ સમયે કપડા ધોઈ નાખવા, વાહનો ધોવા માટે સારા પીવાના પાણીનો ઉપયોગ કરવો નહીં, તેમ જ હાઉસિંગ સોસાયટીમાં અથવા ઘરમાં નળમાં અથવા પાઈપલાઈનમાં લિકેજ હોય તો તેનું તાત્કાલિક સમારકામ કરાવવું. છત પર પાણીની ટાંકીઓ ભરતા સમયે તે ઓવરફ્લો થાય નહીં તેનું ધ્યાન રાખવું. જે ઠેકાણે પાણીનો મોટા પ્રમાણમાં વપરાશ થતો હોય તે તમામ કમર્શિયલ અને એસ્ટાબ્લિશમેન્ટમાં પાણીનો વેડફાટ થતો રોકવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button