પબ અને બારના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર વેબકાસ્ટિંગનો વિચાર
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત બાદ જિલ્લા પ્રશાસન દ્વારા પબ અને બારમાં નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે તેના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સનું વેબકાસ્ટિંગ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
પુણેમાં 17 વર્ષના ટીનેજર તથા તેના મિત્રો સગીર હોવા છતાં તેમને શરાબ પીરસવામાં આવ્યો અને બાદમાં ગંભીર અકસ્માત થયો તે ધ્યાનમાં રાખતાં બાર અને પબનું લાઇસ-સ્ટ્રીમિંગ કરવાની યોજના છે, એમ જિલ્લાધિકારી સુહાસ દિવાસેએ જણાવ્યું હતું.
હવે પછી પબ અને બારમાં કોઇ પણ સગીર પ્રવેશવા નહીં જોઇએ અને આસ્થાપનાઓએ મુકરર સમયનું પાલન કરવાનું રહેશે. નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે આ આસ્થાપના પરોઢિયે સુધી ચાલતી રહે છે. આથી લાઇવ-સ્ટ્રીમિંગનો વિચાર કરવામાં આવી રહ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
વર્તમાન સેટઅપમાં આ આસ્થાપનાઓની બહાર શું થઇ રહ્યું છે તેના પર વાસ્તવમાં દેખરેખ રાખવી મુશ્કેલ છે, પણ વેબકાસ્ટિંગ જેવી નવી ટેક્નોલોજીથી તે શક્ય બની શકે છે. અમે ચૂંટણી વખતે સફળતાથી વેબકાસ્ટિંગનો ઉપયોગ કર્યો હતો અને પચાસ ટકા મતદાનમથકોનું વેબકાસ્ટિંગ કર્યું હતું અને ત્યાં શું થઇ રહ્યું છે તે અમારા કાર્યાલયમાં બેસીને અમે જોઇ શકતા હતા, એમ દિવાસેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)