પાલઘરમાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા: યુવક પકડાયો
થાણે: પાલઘર જિલ્લામાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા કરવા પ્રકરણે 26 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભે નાળામાંથી એક વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સંતોષ યાદવ તરીકે થઇ હતી, જે જુનિયર આર્ટિસ્ટ પૂરા પાડતો હતો. યાદવ નવી મુંબઈમાં સ્ટુડિયોમાં કામ કરતો હતો.
પોસ્ટમોર્ટમના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે માથામાં ગંભીર ઇજાને કારણે જાધવનું મૃત્યુ થયું હતું. આથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન યાદવની ગર્લફ્રેન્ડે પોલીસને જણાવ્યું હતું કે તેણે યાદવને છેલ્લે તેના બે મિત્ર સાથે જોયો હતો, જેઓ પણ એ જ ક્ષેત્રમાં કામ કરતા હતા.
પોલીસે બાદમાં યાદવના બંને મિત્ર સની સુનીલ સિંહ અને રાહુલ સોહન પાલની શોધ આદરી હતી અને 14 મેના રોજ યાદવના મિત્રને ઝડપી પાડ્યો હતો.
આરોપીઓએ મોટો કોન્ટ્રેક્ટ ગુમાવ્યો હતો, જે યાદવને મળ્યો હતો. આને કારણે તેમના મનમાં રોષ હતો. દરમિયાન તેમણે યાદવને 7 મેના રોજ દારૂ પીવા માટે નાલાસોપારામાં બ્રિજ નજીક બોલાવ્યો હતો, જ્યાં માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા કરાઇ હતી. (પીટીઆઇ)