વીક એન્ડ

કિર્ગિસ્તાનમાં ફસાયા વિદ્યાર્થીઓ: આ સિલસિલો કેમ અટકતો નથી?

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીય સ્ટુડ્ન્ટ્સ..

ફરી એની એ પરિસ્થિતિ આવીને ઊભી છે. વધુ એક વાર ભારતના વિદ્યાર્થીઓ પારકા દેશમાં ફસાયા છે અને એમને ભારત પરત લાવવા માટે એમના વાલીઓ, મીડિયા અને ખુદ પેલા વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદ માગી રહ્યા છે.

અહીં પ્રશ્ર્ન એ છે કે શા માટે ભારતીય વિદ્યાર્થીઓ સાથે વારંવાર આવું બને છે? સૌથી સીધો જવાબ એ છે, કે ભારતીય વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ ગમે તે ભોગે વિદેશ જઈને ભણવાનું સપનું પાળી બેઠા છે. આ સપના પાછળ કોઈ લોજિક છે ખરું? આખો મુદ્દો વિગતે સમજવા જેવો છે. શરૂઆત કિર્ગિસ્તાનની હાલની પરિસ્થિતિથી કરીએ. છેલ્લા થોડા સમયથી કિર્ગિસ્તાન ખાતે અભ્યાસ કરતા
ભારતીય સહિતના વિદેશી વિદ્યાર્થીઓ સ્થાનિક વિદ્યાર્થીઓના રોષનો ભોગ બન્યા છે, જેને પરિણામે ભારતીય સહિતના આ વિદ્યાર્થીઓ પર શારીરિક હુમલાઓ થઈ રહ્યા છે! એવું કહે છે કે ઇજિપ્તના વિદ્યાર્થીઓને સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ઝગડો થયો, એમાં વાત વધી પડી. એ પછી પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કર્યું. આ બધાને પ્રતાપે હવે સ્થાનિક વિદ્યાર્થીઓ ભારતીય સહિતના બીજા એશિયન વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા છે. ૧૩ મેની આસપાસ ઈજિપ્તના અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થઇ ગઈ. એ પછી સ્થાનિકોની ફરિયાદ હતી કે સરકારી તંત્ર દક્ષિણ એશિયન વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ પડતી નરમાશ દાખવી રહ્યું છે. આ લાગણીને રોષમાં પલટાતા વાર ન લાગી. પછી તો ૧૯ મે આવતા સુધીમાં રીતસરના દંગા ભડકી ઊઠ્યા. આમાં હવે ભારત- પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં બરાબર ફસાયા છે.

આજકાલ તમારી આસપાસના યુવાનો સાથે ચર્ચા કરશો તો ખ્યાલ આવશે કે બહુ મોટો વર્ગ કેનેડા કે ઓસ્ટ્રેલિયા જવા માંગે છે. લોજિક એવું છે કે આ દેશોમાં વસતિ ઓછી છે અને નોકરીની તકો વધુ છે. જો ત્યાંની યુનિવર્સિટીઝમાં જઈને હાયર એજ્યુકેશન મેળવવામાં આવે તો આ દેશોમાં કાયમી વસવાટ કરવાની તકો વધુ ઉજળી થઇ શકે છે. આ લોજિક ખોટું નથી. એક સમયે અમેરિકા માટે પણ આપણે ભારતીયો આવા જ સપનાં જોતા હતા. આજે પણ અમેરિકા જઈને કાયમી વસવાટ કરવા માંગતા ભારતીયોનું પ્રમાણ મોટું છે.

આ બધા ઉપરાંત ઘણા ભારતીયો માને છે કે ભારતમાં ભ્રષ્ટાચાર, લાગવગ વગેરેને કારણે નોકરીની તકો પર અસર પડે છે. ઉપરાંત ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ વિશે આપણે ઠેઠ ૬૩માં ક્રમે છીએ. આ વાતમાં તથ્ય તો છે જ, પણ શું વિદેશોમાં બધું સીધુંસટ્ટ છે? જી ના. અમેરિકાની ઇકોનોમી તો આમેય છેેલ્લા કેટલાક સમયથી ચર્ચાને ચકડોળે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ સ્થાનિકોને ભારતીય-એશિયન વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સામે રોષ હોય એવી ઘટનાઓ સામે આવતી રહી છે. ખાલિસ્તાન જેવા પ્રશ્ર્નોની સાથે જે-તે દેશના સ્થાનિક લોકોને એશિયન લોકોને કારણે વેઠવી પડતી બેરોજગારીના પ્રશ્ર્નો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આમ છતાં માનો કે ભારતીય વિદ્યાર્થીઓ ગમે તે ભોગે પ્રથમ કક્ષ ગણાતા દેશોની ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીઝમાં ભણવાની ખેવના રાખે એ સમજી શકાય એવું છે. પણ કિર્ગિસ્તાન? મધ્યપૂર્વના આ દેશની કેટલી યુનિવર્સિટીઝ વિશ્ર્વ સ્તરે નામના ધરાવતી હોવાનું તમે માનો છો?

ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતા જે ડેટા મળે છે, એ આઘાતજનક છે. કિર્ગિસ્તાન ઇકોનોમીની દ્રષ્ટિએ આપણા કરતાં પણ પછાત છે. માત્ર સિત્તેર લાખની વસતિ ધરાવતો આ દેશ લેન્ડ લોક ક્ધટ્રી, એટલે કે બધી બાજુએથી જમીની સરહદોથી ઘેરાયેલો છે. સ્વાભાવિકપણે જ દરિયાઈ વેપાર માટેના મોટા બંદરો અને એની ઇકોનોમી અહીં નથી. કપાસ અને તમાકુ મોટા પાયે એકસપોર્ટ થાય છે. સાથે જ ગોલ્ડ, મર્ક્યુરી અને યુરેનિયમના ભંડાર પણ ખરા. ક્ધિતુ સાથે જ અહીંની સિસ્ટમમાં ભ્રષ્ટાચાર પેધો પડ્યો છે. કિર્ગિસ્તાન છોડીને બહારના દેશોમાં વસી ગયેલા લોકો જે નાણું મોકલાવે, એને પણ આ દેશની અર્થવ્યવસ્થામાં મોટો સ્રોત ગણવામાં આવે છે.‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ની દ્રષ્ટિએ સરખામણી કરીએ, તો આ લિસ્ટમાં ભારતનો ક્રમ ૬૩મો છે, જ્યારે કિર્ગિસ્તાન ૭૦મા ક્રમે આવે છે. ભારત કરતાં વસતિ અનેકગણી ઓછી છે, તેમ છતાં આ દેશ ભારત જેવી જ સમસ્યાઓ વેઠી રહ્યો છે. આ ઉપરાંત અહીં રાજકીય અસ્થિરતાનો મુદ્દો ય છે જ. ભારતના એકાદ મોટા રાજ્ય જેવડો વિસ્તાર હોવા છતાં અહીં માત્ર ૪% વિસ્તારમાં જ જંગલો છે. આ બધા મુદ્દાઓ પરથી સાબિત થાય છે કે કિર્ગિસ્તાન કોઈ એવો મુલક તો નથી જ (કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયાની જેમ) કે ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં કાયમી વસવાટ કરવાનું આકર્ષણ થાય! તો શું ત્યાનું શિક્ષણ એટલું સારું છે?

ઈન્ટરનેટ પર વધુ ખાંખાખોળા કરતા જાણવા મળે છે કે કિર્ગિસ્તાનમા શિક્ષણ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. કુલ ૫૪ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ છે, જે પૈકી ૩૩ પબ્લિક છે, ૨૧ પ્રાઈવેટ છે. એક અંદાજ મુજબ હાલમાં ૩૦,૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન ખાતે ભણી રહ્યા છે. જે પૈકી આશરે ત્રણેક હજાર વિદ્યાર્થીઓ તો કાંટ ખાતે આવેલ એશિયન મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં જ ભણે છે! રિપોર્ટ્સ કહે છે કે કિર્ગિસ્તાનમાં હાયર એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટયૂટ્સમાં ભણાવતા શિક્ષકોનો પગાર બહુ ઓછો છે. કેમકે સરકારે શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવતા બજેટ પર ખાસ્સો કાપ મૂક્યો છે!

અહીં પ્રશ્ર્ન એ છે કે જો કિર્ગિસ્તાનની પરિસ્થિતિ આવી હોય, તો ત્યાં જઈને આપણા વિદ્યાર્થીઓ શું કાંદો કાઢી લેશે? એના કરતાં ભારતની જ કોઈ યુનિવર્સિટીમાં ભણી લીધું હોય તો ન ચાલે?! આપણે હાલમાં જે પ્રકારના જીઓ- પોલિટિકલ માહોલમાં જીવીએ છીએ, એ જોતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ સમજવું પડશે, કે એજન્ટો પર આંધળો વિશ્ર્વાસ મૂકીને કોઈ પણ દેશમાં ધસી જવાની જરૂર નથી. યોગ્ય દિશામાં મહેનત કરીને ભારતમાં પણ ઉજજવળ ભવિષ્ય બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button