આપણું ગુજરાત

પ્રાંતિજના મહાદેવપુરાના તળાવમાં નહાવા પડેલી ઘડી ગામની ત્રણ બાળકીઓ ડૂબતા મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તળાવ અને નદીમાં ડુબવાથી મોતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે, આજે પણ સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકીના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છોકરીઓ ડુબવાના સમાચાર મળતા સ્થાનિકો દોડી આવ્યા હતા, પોલીસ અને પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં સ્થાનિકો અને ફાયરના જવાનોએ આ ત્રણેય દીકરીઓના મૃતદેહને બહાર કાઢ્યાં હતા અને મૃતદેહોને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. દીકરીઓના મોતના પગલે હાલ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી વિગતો મુજબ ઘડી ગામ ચાર રસ્તે GEB પાસે છાપરામાં રહેતા વાઘેલા પરિવારની ત્રણ દીકરીઓ બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિકિન આપવા ગઈ હતી. એ સમયે તેઓ મહાદેવપુરા ગામના તળાવમાં નહાવા પડતાં ત્રણેય બાળકી ડૂબી ગઇ હતી. બાળકી ડૂબી રહી હોવાની જાણ થતાં સ્થાનિકો પહોંચ્યા હતા અને બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીઓ બચી શકી ન હતી.

આ પણ વાંચો: શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત

મૃતક ત્રણેય બાળકીઓ એકજ કુટુંબની હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બાળકીઓના મોતથી પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્રણેય બાળકીના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરી હતી અને આ માલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નદી અને તળાવોમાં નહાવા પડેલા 19 લોકો મોતને ભેટ્યા છે. જેમાં બોટાદમાં બે, મોરબીમાં ત્રણ, છોટા ઉદેપુરમાં એક, ભાવનગરમાં ચાર, નવસારીના દાંડીના દરિયામાં 4 અને પોઇચામાં 6 લોકોના કરૂણ મોત થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button