ટીમ ઇન્ડિયા (Team India)ના હેડ-કોચ માટે ગૌતમ ગંભીર (Gautam Gambhir)નું નામ અગ્રેસર, પરંતુ નિયુક્તિ થતાં તેણે એક સફળ જૉબ છોડવી પડે
ચેન્નઈ: જૂનની શરૂઆતથી જ અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ જશે એટલે સ્વાભાવિક છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ દેશોમાં એની જ ચર્ચા થાય. જોકે 20માંથી એકમાત્ર ભારતમાં સ્થિતિ સાવ જુદી છે. ભારતમાં અત્યારે ક્રિકેટપ્રેમીઓમાં આઇપીએલ ઉપરાંત ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ કોણ? એની જ ચર્ચા થઈ રહી છે.
ભારતના નૅશનલ ક્રિકેટરોનો નવો કોચ દેશી હશે કે વિદેશી એની વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ભારતીય ટીમના હેડ-કોચ બનવાની રેસમાં નથી અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું નામ અગ્રેસર છે. જોકે તેની નિયુક્તિ થાય તો તેણે આઇપીએલની ફાઇનલિસ્ટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર તરીકેનો હોદ્દો છોડી દેવો પડે.
રાહુલ દ્રવિડની મુખ્ય મુદત ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં પૂરા થયેલા વન-ડેના વર્લ્ડ કપ સુધીની હતી, પરંતુ નવી નિયુક્તિ માટે (આઇપીએલના ટાણે) બહુ ઓછો સમય બચ્યો હોવાથી દ્રવિડને આગામી ટી-20 વર્લ્ડ કપના અંત સુધી હોદ્દો સંભાળવા મનાવવામાં આવ્યો હતો. હવે વિશ્ર્વકપ નજીક આવી ગયો છે એટલે એ પહેલાં જ નવા મુખ્ય પ્રશિક્ષકને શોધવાની બીસીસીઆઇ (BCCI)એ શરૂઆત કરી દીધી છે.
આ પણ વાંચો: IPL-24 Play-Off : ચાર બૅટર્સના ઝીરો છતાં હૈદરાબાદ (SRH)નો કોલકાતા (KKR)ને 160 રનનો લક્ષ્યાંક
રિકી પૉન્ટિંગ, જસ્ટિન લૅન્ગર અને ઍન્ડી ફ્લાવરના નામ ચર્ચામાં હતા, પરંતુ ત્રણેયને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવામાં રસ નથી એવા અહેવાલો બહાર આવ્યા છે. સ્ટીફન ફ્લેમિંગને લઈને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના સીઇઓ કાશી વિશ્ર્વનાથને મોટો દાવો કર્યો છે કે તે આ હોદ્દો કદાચ નહીં સંભાળે.
હવે સવાલ એ છે કે દ્રવિડનો અનુગામી કોઈ ભારતીય ખેલાડી જ બનશે કે શું? સોમવાર, 27મી મેએ સાંજે 6.00 વાગ્યા સુધી બીસીસીઆઇ અરજી સ્વીકારશે અને પછી જે અરજીઓ આવી હશે એના પર ચર્ચા-વિચારણા થશે એવું અગાઉથી નક્કી થયું છે.
અત્યારે તો ગૌતમ ગંભીરનું નામ જ ચર્ચાઈ રહ્યું છે. ખુદ બીસીસીઆઇએ કોલકાતાની ટીમના આ મેન્ટરનો સંપર્ક કર્યો હોવાનો અહેવાલ થોડા દિવસ પહેલાં વાઇરલ થયો હતો. ગંભીર પર જ કળશ ઢોળાશે એ પાછળ સૌથી મોટું કારણ એ છે કે ખુદ ક્રિકેટ બોર્ડે તેનો સંપર્ક કર્યો છે. ગંભીરે એ બાબતમાં સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સ્પેશિયાલિસ્ટ કોચ તરીકે તેનો આ પહેલો જ જૉબ હશે.
2007ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયન ખેલાડી અને ભાજપના આ ભૂતપૂર્વ સંસદસભ્યને કેકેઆરના મેન્ટર (માર્ગદર્શક) તરીકેનો સારો અનુભવ છે. તેની કૅપ્ટન્સીમાં કોલકાતાની ટીમ અગાઉ બે વાર ટાઇટલ જીતી હતી અને આ વખતે તેના જ માર્ગદર્શનમાં કોલકાતાની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન પર રહ્યા બાદ હવે ફાઇનલમાં પહોંચી ગઈ છે.
બીજું, ગૌતમ ગંભીર કોલકાતાની પહેલાં લખનઊની ટીમનો બે સીઝન સુધી મેન્ટર હતો. 2022માં તેની મેન્ટરશિપમાં લખનઊની ટીમ (ડેબ્યૂના પહેલા જ વર્ષમાં) પ્લે-ઑફમાં પહોંચી હતી અને 2023ના બીજા વર્ષે પણ પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. ટૂંકમાં, ગંભીરે જે ટીમને માર્ગદર્શન આપ્યું છે એ ટીમે ચમત્કારિક પર્ફોર્મ કર્યું છે.
ગંભીરની સાથે અમુક અંશે વીવીએસ લક્ષ્મણ, વીરેન્દર સેહવાગ અને હરભજન સિંહના નામ પણ ચર્ચામાં છે, પરંતુ ગંભીરની જ વાત કરીએ તો પહેલી વાત એ છે કે હાલ સુધી આઇપીએલની ટીમને જ (વર્ષમાં બે-ત્રણ મહિના સુધી) માર્ગદર્શન આપતો ગંભીર પૂર્ણસ્તરે (વર્ષના 10 મહિના માટે) ટીમ ઇન્ડિયાનો કોચ બનવા તૈયાર છે કે નહીં? બીસીસીઆઇ તેને એક વર્ષના કોચિંગ બદલ કેટલા કરોડ રૂપિયા ઑફર કરે છે એ પણ મોટો સવાલ છે.
ત્રીજી ખાસ વાત એ છે કે ગંભીર જો ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું શરૂ કરે તો તે હવે પછી કોલકાતાની ટીમનો મેન્ટર નહીં રહી શકે. બીસીસીઆઇનો નિયમ છે કે એક જ વ્યક્તિ બે પ્રકારના લાભ અપાવતા બે હોદ્દા પર ન રહી શકે. જો એ વ્યક્તિ એક કરતાં વધુ હોદ્દા પર રહે તો ‘હિતોના ટકરાવ’નો વિવાદ સર્જાય. એ જોતાં ગંભીરે કોલકાતાની મેન્ટરશિપ છોડવી જ પડે.
હવે તમે જ વિચારો કે જો કોલકાતા રવિવારે ટાઇટલ જીતશે અને બીજી બાજુ ગંભીરને બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના નવા હેડ-કોચ બનવા માટેની સારી ઑફર કરી હશે તો ગંભીર એ સ્વીકારશે કે નહીં? જો સ્વીકારશે તો કોલકાતાની ટીમના ખેલાડીઓ અને તેમના તરફી અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ થોડા નિરાશ તો થશે જ.