વેપાર

વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. ૮૭૪નો ઘટાડો, ચાંદી રૂ. ૩૫૮ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૭૦થી ૮૭૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવા છતાં સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૫૮નો ઘટાડો આવ્યો હતો.

Read More: ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૧૩૪ની નરમાઈ, ચાંદીમાં ₹ ૧૩નો ધીમો સુધારો

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૫૮ના ઘટાડા સાથે રૂ. ૮૯,૬૯૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વિશ્વ બજારના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિકમાં રૂપિયામાં મજબૂત વલણ રહેવાની સાથે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૭૦ ઘટીને રૂ. ૭૧,૬૬૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૭૪ ઘટીને રૂ. ૭૧,૯૫૨ના મથાળે રહ્યા હતા.

ગત બુધવારે જાહેર થયેલી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં નીતિઘડવૈયાઓ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા જણાતાં વૈશ્વિક સોનાની તેજીને બ્રેક લાગી હતી અને ભાવમાં ઘટાડો શરૂ થયો છે. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત નવમી મે પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ આજે પણ ભાવઘટાડાનું વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૩૬.૮૬ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ભાવ ટૂ ભાવ ૨૩૩૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Read More: ફેડરલની મિનિટ્સમાં આક્રમક નાણાનીતિના અણસાર: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૨૫૪નું અને ચાંદીમાં ₹ ૨૮૩૧નું ગાબડું

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં સોનાના ભાવમાં ઔંસદીઠ ૨૪૪૯.૮૯ ડૉલરની ઊંચી સપાટીએથી અત્યાર સુધીમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે, આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૩૦.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ફેડરલ રિઝર્વનાં આક્રમક નાણાનીતિના વલણના અણસાર સાથે ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો હેડ લ્યા સ્પિવિકે જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે વધતા ફુગાવા સામેની સલામતી માટે સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદર સોનાની માગને અવરોધી રહ્યા છે.

Read More: RBI બુલેટિનમાં અર્થવ્યવસ્થાને લઈને ગુડ ન્યૂઝ, લોકોને પણ મળી શકે છે રાહત

હવે ચીનની પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની સોનાની ખરીદી જળવાઈ રહે તો સોનામાં મોટો ઘટાડો અટકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, હવે બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત આગામી સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરશે અને વર્ષ ૨૦૨૪માં એક કરતાં વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી અટકળો મૂકી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button