મહારાષ્ટ્ર

બચાવકાર્ય વખતે બોટ ઊંધી વળતાં એસડીઆરએફના ત્રણ જવાનનાં મોત

પુણે: નદીમાં ડૂબી ગયેલા બે યુવકને બચાવવાની કામગીરી દરમિયાન બોટ ઊંધી વળતાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના સબ-ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યા હોવાની ઘટના અહમદનગર જિલ્લામાં બની હતી.

અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 7.45 વાગ્યાની આસપાસ અકોલા સ્થિત સુગાવ ગામ પાસે પ્રવરા નદીમાં બની હતી. સખત ગરમીને કારણે બે યુવક બુધવારે પોપટ જેડગુલે (25) અને અર્જુન રામદાસ જેડગુલે (18) પ્રવરા નદીમાં તરવા ગયા હતા. પાણીના ઊંડાણનો ખયાલ ન આવતાં બન્ને ડૂબી ગયા હતા.

અહમદનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ ઓલાએ જણાવ્યું હતું કે બુધવારે બે યુવક નદીમાં ડૂબી ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ સાંજે જ મળી આવ્યો હતો. બીજા યુવકની શોધ માટે ગુરુવારે સવારે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી.

સર્ચ ઑપરેશન દરમિયાન 7.45 વાગ્યે બોટ ઊંધી વળી ગઈ હતી. બોટમાં એસડીઆરએફના ચાર જવાન સહિત પાંચ જણ હતા. બોટ ઊંધી વળી ગયા પછી એસડીઆરએફના એક જવાનને બચાવી લેવાયો હતો, જ્યારે બાકીના ડૂબી ગયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે પછીથી સબ-ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ડૂબી ગયેલા સ્થાનિક રહેવાસી અને બુધવારે ડૂબેલા યુવકની શોધ ચાલી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button