વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને તળાવમાં ડુબવાથી મૃત્યુની ઘટનાઓ વઘી છે, ગુજરાતમાં સમગ્ર મે મહિના દરમિયાન ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે તળાવોમાં નહાવાની મજા માણતા હોય છે.
જોકે નહાવા દરમિયાન ડૂબવાના અનેક કિસ્સાઓ અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આવી જ એક વધુ એક ઘટના વડોદરાના સિધરોટ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જોવા મળી હતી. જ્યાં એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ સ્થાનિકોને સિંધરોડ પાસેથી મહી નદીમાં ચાર મૃતદેહો તરતા હોવાની જાણ થઇ હતી. જેથી આ અંગે 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. ચારેય યુવકોના મૃતદેહ મળી આવ્યાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ દોરડા વડે ચારેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. તાલુકા પોલીસે ચાર યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે મામલે તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: નાનકડા ગામમાંથી ત્રણ યુવકોની સાથે અર્થી ઊઠીને…
મહી નદીમાં ડુબેલા આ યુવકો ક્યાંના રહેવાસી છે તે અંગેની વિગતો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે પોલીસના અનુમાન મુજબ આ 4 મૃતદેહ કોટના તરફથી સિંધરોટ તણાઈ આવ્યા છે, તેથી તે તેની આસપાસના ગામના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત થતા વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે. હાલના દિવસોમાં જ રાજ્યમાં પોઈચા, મોરબી અને ભાવનગરમાં ડૂબવાની ઘટના બની છે. આ મોતને લઈને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.