લીડ્સ: બુધવારે રાત્રે એક તરફ હેડિંગ્લીમાં પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝની પહેલી મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી ત્યારે બીજી બાજુ અમદાવાદમાં રાજસ્થાન રૉયલ્સે (RR) આઇપીએલની એલિમિનેટરમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ને હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો અને ટ્રોફી જીતવા માટેની આશા જીવંત રાખી.
રાજસ્થાનની ટીમ 2008ની સાલની પ્રથમ ટ્રોફી બાદ હવે 2024માં બીજી ટ્રોફી જીતવાની લગોલગ પહોંચી ગઈ એટલે એનો ઓપનિંગ બૅટર જૉસ બટલર થોડો ગુસ્સે થયો અને ત્રણ દિવસ પહેલાં જાહેરમાં આપેલા વિધાન સામે એવું કહ્યું જેના પરથી તેની બે મોઢાળી વાત પુરવાર થાય છે.
બટલર ગયા અઠવાડિયાથી કહી રહ્યો છે કે તેના સહિત ઇંગ્લૅન્ડના આઠ ખેલાડીઓ આઇપીએલમાંથી વહેલા બહાર આવીને પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ઇંગ્લૅન્ડ પાછા આવી ગયા એ બહુ સારું થયું, કારણકે પહેલી જૂને શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારી કરવામાં સરળતા પડશે. ઇંગ્લૅન્ડ વતી રમવું એ વાતને અત્યારે હું સૌથી પહેલું મહત્ત્વ આપું છું.’
આ પણ વાંચો: IPL-2024: આજે Playoffની મેચમાં KKR સામે હશે આ મોટો પડકાર…
આ વખતની આઇપીએલમાંથી બહાર આવી જવાની શરૂઆત બટલરે જ કરી હતી. તેના પછી સૅમ કરૅન, લિઆમ લિવિંગસ્ટન, વિલ જૅક્સ, રીસ ટૉપ્લી, ફિલ સૉલ્ટ, મોઇન અલી અને જૉની બેરસ્ટૉ પણ આઇપીએલ છોડીને ઇંગ્લૅન્ડ પાછા આવી ગયા.
જોકે હવે બટલર જુદી જ વાત કરવા લાગ્યો છે. બુધવારે પાકિસ્તાન સામેની પ્રથમ ટી-20 મૅચ વરસાદને કારણે સાવ ધોવાઈ ગયા પછી બટલરે બ્રૉડકાસ્ટિંગ ચૅનલને કહ્યું, ‘પાકિસ્તાન સામેની સિરીઝ માટે (વર્લ્ડ કપ પહેલાં) ઇંગ્લૅન્ડના ખેલાડીઓને ભેગા કરવામાં આવ્યા એ બહુ સારું થયું, પરંતુ મારું તો માનવું છે કે આઇપીએલ ચાલતી હોય ત્યારે કોઈ ઇન્ટરનૅશનલ સિરીઝ હોવી જ ન જોઈએ.’
હવે જ્યારે રાજસ્થાન શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં હૈદરાબાદ સામે રમશે અને એમાં જીતશે તો રવિવારે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ રમાશે અને જો રાજસ્થાન ચૅમ્પિયન બનશે તો સૌથી વધુ અફસોસ બટલરને થશે, કારણકે રાજસ્થાનને પ્લે-ઑફ સુધી પહોંચાડવામાં બટલરનું મોટું યોગદાન રહ્યું છે. તેણે 11 મૅચમાં 359 રન બનાવ્યા છે અને આ સીઝનમાં એકમાત્ર તેણે બે સેન્ચુરી ફટકારી છે.