સ્વાતિ માલીવાલ અને બિભવ કુમાર વચ્ચે થયેલી મારપીટ મામલે CM કેજરીવાલે પહેલીવાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
![CM Kejriwal made his first statement on the fight between Swati Maliwal and Bibhav Kumar](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-22T203054.903.jpg)
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ બે મોરચે લડી રહ્યા છે, તેમની સામે દિલ્હી લિકર પોલીસી કેસ હેઠળ ઈડી અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે સ્વાતિ માલીવાલ અને તેમના પીએ બિભવ કુમાર વચ્ચે થયેલી કથિત મારપીટની ઘટનાએ તેમની મુશ્કેલી વધારી છે. હવે કેજરીવાલે આ મામલે પહેલીવાર નિવેદન આપ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલે મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ પર થયેલા કથિત હુમલા અંગે કહ્યું કે તેમને આશા છે કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થશે અને ન્યાય મળવો જોઈએ. કેજરીવાલે જણાવ્યું કે આ મામલો હાલ કોર્ટમાં છે, એટલા માટે તેઓ આ અંગે વધુ કહેવા માંગતા નથી પણ હું એટલું ચોક્કસપણે કહેવા માંગુ છું કે પોલીસે બંને પક્ષોની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ.
આ સમગ્ર મામલા અંગે કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઘટના સમયે તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર હતા, તો AAPના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે તેઓ ત્યાં હતા. પરંતુ હું ઘટનાસ્થળે હાજર નહોતો. ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પીએ બિભવ કુમાર પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. સ્વાતિ માલીવાલે બિભવ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. બિભવે સ્વાતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો: Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ કેસને લઈને રાજકારણ ગરમાયું, AAPની ભાજપ હેડક્વાર્ટર સુધી કૂચ
માલીવાલે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના પીએ બિભવ કુમારે જ્યારે તે 13 મેના રોજ મુખ્યમંત્રીને મળવા ગઈ ત્યારે તેના પર “હુમલો” કર્યો હતો. પોલીસે આ અંગે કેસ નોંધીને કુમારની ધરપકડ કરી છે.
આ મામલે માલીવાલે કહ્યું હતું કે પાર્ટીમાં દરેક વ્યક્તિ પર તેમની છબી ખરાબ કરવા માટે ‘ઘણું દબાણ’ છે. રાજ્યસભાના સભ્ય માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, “ગઈકાલે મને પાર્ટીના એક મોટા નેતાનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે કેવી રીતે દરેક વ્યક્તિ પર ઘણું દબાણ છે કે તેમને મારી વિરુદ્ધ ખરાબ બોલવાનું છે. તેઓ મારા અંગત ફોટા લીક કરીને મને હેરાન-પરેશાન કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ મારું સમર્થન કરશે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.
તેમણે કહ્યું, “કોઈને પ્રેસ કોન્ફરન્સ કરવાનું કામ આપવામાં આવ્યું છે તો કોઈને ટ્વીટ કરવાની જવાબદારી આપવામાં આવી છે.” કોઈને અમેરિકામાં બેઠેલા કાર્યકર્તાઓને ફોન કરીને મારી વિરૂધ્ધ કેટલીક બાબતો બહાર લાવવાની કામગીરી પણ કોઈને સોંપવામાં આવી છે.