સચિન તેંડુલકરે એવું શું કર્યું કે ભડકી ગયા MLA બચ્ચુ કડુ? …
ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો તેમ જ અન્ય સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતોને સાચી માનીને અનેક લોકો ન જોઇતી ખરીદી કરતા હોય છે. સેલિબ્રિટીઓને તો આવી જીહેરાતો કરવાના ખણખણતા પૈસા મળે છે, પણતેમની ભ્રામક જાહેરાતોના રવાડે કંઇ કેટલીય જિંદગી ચઢી જાય છે અને નુક્સાની વેઠે છે.
આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે, જેમાં ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરની ઓનલાઈન રમીના રવાડે ચઢીને લાખોનું દેવું કરી નાખનાર તેમના જ બોડીગાર્ડે આખરે હતાશ થઇને આત્મહત્યા કરી લેવાનો બનાવ બન્યો છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) બોડીગાર્ડે 15 મેના રોજ સવારે જામનેર સ્થિત તેના નિવાસસ્થાને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. છેલ્લા 15 વર્ષથી રાજ્ય અનામત પોલીસ દળની સેવામાં રહેલા પ્રકાશ કાપડે (39) અગાઉ છગન ભુજબળ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં, તેઓ મુંબઈમાં સચિન તેંડુલકરના ઘરે સુરક્ષા વ્યવસ્થામાં બોડીગાર્ડ તરીકે તૈનાત હતા. એક અઠવાડિયા પહેલા તેઓ જામનેરના ગણપતિ નગર વિસ્તારમાં આવેલા તેના ઘરે પરત ફર્યા હતા.
આ પણ વાંચો: Kashmirમાં આ કોને મળ્યો Sachin Tendulkar? વીડિયો થયો વાઈરલ…
હવે આ મામલે રાજકીય વિવાદ થઇ રહ્યો છે. વિધાન સભ્ય બચ્ચુ કડુએ દાવો કર્યો છે કે સચિન તેંડુલકરના બોડીગાર્ડે ઓનલાઈન રમીની લતને કારણે આત્મહત્યા કરી છે. બચ્ચુ કડુએ કહ્યું હતું કે સચિન તેંડુલકરે ઓનલાઈન રમીની જાહેરાત બંધ કરવી જોઈએ અથવા તો ભારત રત્ન એવોર્ડ છોડી દેવો જોઈએ. જો તેમ નહીં થાય તો શિવ રાજ્યાભિષેક દિવસ 6 જૂન અથવા બીજા દિવસે 7 જૂને તેઓ સચિન તેંડુલકરના ઘરની સામે પૂતળું બાળીને તેમનો વિરોધ કરશે.
મીડિયા સાથે વાત કરતા બચ્ચુ કડુએ કહ્યું હતું કે જે બોડીગાર્ડ સચિન તેંડુલકરનો જીવ બચાવવા માટે કામ કરી રહ્યો હતો, તેણે સચિનની જાહેરાતને કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જો કોઈ બોડીગાર્ડ આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયો અને મરી ગયો તો સચિન તેંડુલકરે આ જવાબદારી લેવી જોઈએ. જેમને આપણે ભારત રત્ન કહીને વખાણ્યા હતા તે વ્યક્તિની જાહેરાતો જોઈને તેમના બોડીગાર્ડે આત્મહત્યા કરવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે બચ્ચુ કડુએ સચિન તેંડુલકરનો વિરોધ કર્યો હોય. આ પહેલા પણ તેઓ સચિન તેંડુલકરનો વિરોધ કરી ચૂક્યા છે.