ઈન્ટરવલ

હવે સપ્તપદીમાં ઉમેરો આઠમો ફેરો !

વ્યંગ -ભરત વૈષ્ણવ

આપણે ત્યાં લગ્ન એ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન એક જીવનરીતિ છે. આપણે ત્યાં મુસ્લિમ નિકાહની જેમ લગ્ન એ કરાર નથી. લગ્ન માટે ચાર કે સાત ફેરા ફરવા પડે છે. સપ્તપદીનું વાંચન થાય છે. મંદિરમાં જઇ પૂજારીની હાજરીમાં પુરૂષ અને સ્ત્રી હાર પહેરાવે એટલે સહજીવનનું લાઈસન્સ મળતું નથી. એ લગ્ન ગેરકાયદેસર છે.તમે આર્ય સમાજમાં જઇને લગ્ન કરી લગ્નનું પ્રમાણપત્ર મેળવો તો તેવા લગ્નને કાયદાકીય પીઠબળ નથી એવું સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે.

ન કરે નારાયણને કે સત્ય નારાયણ, કોઇનું લગ્નજીવન નિષ્ફળ જાય તો જે ગામ કે શહેરમાં લગ્નવિધિ સંપન્ન થઇ હોય તે શહેરની કોર્ટમાં કેસ દાખલ કરવો પડે.

એક કિસ્સામાં જે શહેરમાં લગ્નનું રિસેપ્શન યોજાયેલ તે શહેરમાં પતિએ છૂટાછેડાનો કેસ ફાઇલ કર્યો. તે શહેરની અદાલતે આ કેસ સાંભળવાનો ઇન્કાર કરી જે શહેરમાં લગ્ન થયેલ ત્યાં છૂટાછેડાનો કેસ ફાઇલ કરવા આદેશ આપ્યો હતો. આ બધું લખવાનો ઉદ્દેશ નવવિવાહીતોને ભડકાવવા કે હડકાવવાનો નથી, પરંતુ આભ તૂટી પડે તો થીંગડા મારવાનું ઈમરજન્સી માર્ગદર્શન છે તેમ સમજવું !

લગ્ન થયા પછી તારી સાડી -મારું પેન્ટ વિચારધારાનો અંત આવે છે. નદી સમુદ્રમાં મળે પછી પાણી નદી કે સાગરનું છે તે નક્કી કરી શકાતું નથી. લગ્ન બાદ તારું કે મારું નહીં પણ બધું અખિલ બ્રહ્માંડમાં આપણું થઇ જાય છે. લગ્નમાં આ રીતે જાત ઓગાળવાની હોય છે. લગ્ન બાદ આપણો ચણિયો અને આપણો ચોયણો કહેવાનું રહે છે. લગ્ન જીવનમાં સ્ત્રીએ ધર્મ, અર્થ અને કામમાં પતિની પગલે પગલે પાછળ ચાલવાનું રહે છે. માત્ર ને માત્ર મોક્ષ મેળવવામાં સ્ત્રીએ હડી કાઢીને આગળ થવાનું હોય છે! લગ્નના સિદ્ધાંતો મુજબ પત્ની અગર પતિ ઘરની તમામ ચીજવસ્તુનો સમાન માલિકીના ધોરણે ઉપયોગ કરી શકે છે. કોઇએ કોઇની પરમિશન લેવાની નથી. કોઇએ કોઇને ના પાડવાની હોતી નથી.

જો કે આ વાતને લઈને બેંકવાળા અકોણા છે. બેંકવાળા સહિયારી મિલકત કે સહાસ્તિત્વનો ઇન્કાર કરે છે અને ભગા કર્યે જાય છે!તમને મારી વાતમાં વિશ્ર્વાસ ન હોય તો તે તમારો પ્રશ્ર છે.મારી પાસે તેના પુરાવા છે. પેશે ખિદમત મેં હૈ સબૂત , માય લોર્ડ !

તાજેતરમાં એક મહિલા પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ થઈ.એ મહિલાને હોસ્પિટલને સારવાર માટેના કોઇ બિલની ચુકવણી કરવાની હતી. મહિલા એટીએમ જઇ પૈસા ઉપાડી શકે એવી એની શારીરિક સ્થિતિ ન હતી. જેથી એ મહિલાએ એનું ડેબિટ કાર્ડ પતિને આપ્યું. પોતાના ડેબિટ કાર્ડનો પાસવર્ડ પણ આપ્યો. બોલો, મહિલાએ કોઇ ભૂલ કરી કહેવાય? વિશ્ર્વાસે વહાણ ચલાવ્યું કહેવાય એ પણ દામ્પત્યજીવનની રેતીમાં!

પેલી મહિલાનો પતિ ડેબિટ કાર્ડ લઇને એટીએમ સેન્ટર પર પહોંચ્યો. કાર્ડ ઇન્શર્ટ કર્યું.પત્નીનો પાસવર્ડ ટાઇપ કર્યો.પછી ઉપાડવાની રકમ ટાઇપ કરી. એટીએમમાંથી ટ્રાન્જેકશન રિજેકશનની ચિઠ્ઠી નીકળી. કોઇ રકમ મળી નહીં અને રૂપિયા ૪૦,૦૦૦ ના ઉપાડનો મેસેજ આવ્યો. મહિલાએ રકમ મળી ન હોવાથી રકમ આપવા અરજી કરી. બેંંકે નફ્ફટાઇથી જવાબ આપ્યો કે રકમ ચુકવાઇ ગઇ છે એટલે રકમ રિફંડ ચુકવવાની રહેતી નથી. એ બહેને આરટીઆઇની અરજી કરીને સીસીટીવીના ફૂટેજ મેળવ્યા, જેમાં એટીએમમાંથી કોઇ રકમ બહાર ન નીકળ્યાનું તારણ આવ્યું. પેલા બહેને બેંકના અક્કડ અને જડ વલણ
સામે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. કોર્ટે તારણ તારવ્યું કે જો મહિલા હોસ્પિટલમાં દાખલ હોય તો મહિલાએ હોસ્પિટલને નાણાં ચુકવણી ચેકથી કરવી જોઇએ. કેમ કે, પાસવર્ડ એ ખાનગી છે, જે કોઇ મહિલા પતિ સાથે શેર કરી શકે નહીં. આવું લખીને મહિલાનો કેસ ખારીજ કર્યો!

બોલો, અદાલતનો આ નિર્ણય કેવો કહેવાય? જે સ્ત્રી પોતાનું પિયર સગાવ્હાલા છોડીને લગ્નના સાત ફેરા ફરી કે પરસ્પરને વફાદાર રહેવાના સાત વચન આપ્યાં હોય. પતિને અનુસરવાનું હોય.

જો મહિલા હોસ્પિટલમાં દાખલ હોય તો બેંકે હેન્ડહોલ્ડ મશીનથી નાણાં ઉપાડવા માટે એટીએમ તમારા દ્વારે જેવી વ્યવસ્થા કરવી જોઇએ. બેંક એવી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય અને મહિલાના ચાલીસ હજાર રૂપિયા બેંક તફડાવી લે તે પ્રોફેશનલ એથિકસની વિરુદ્ધનું કૃત્ય કહેવાય, જેને અદાલત ક્ષુલ્લક કારણ અને
તારણ કાઢી સમર્થન કરે તે તો બેંક કરતાં પણ ખતરનાક અપરાધ કહેવાય.

લગ્ન સમયે વર અને ક્ધયા પરસ્પરને સાત વચન આપે છે. એના શબ્દો અક્ષરસ : બધાને યાદ ન પણ હોય, છતાં એકમેકને આપેલાં વચનની ઉપરછલ્લી વાત તો ખબર હોય એટલે પેલી ટીવી સિરિયલની જેમ અહીં એની રિ-કેપ દર્શાવતા નથી.માત્ર પ્રસૂતિ કરવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલ મહિલાને બેંક દ્વારા જે ગોપનિયતાના પાઠ ભણાવવામાં આવ્યા તે ઘટનાને ધ્યાને લઇને સપ્તપદીનાં સાત વચનોમાં એક નવું વચન ઉમેરી દઇએ એટલે ન રહે બાંસ કે ન રહેગી બાંસુરી.

આ આઠ્મો ફેરો કે વચન એ કે :

ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના ક્રેડેન્સિયલ- પાસવર્ડ- પીન પતિ કે પત્નીને એકબીજાને શેર કરશે નહીં-કહેશે નહીં !

આમ હવે, સપ્તપદી સપ્તપદી ન રહેતાં અષ્ટપદીના નામે ઓળખાશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button