દાહોદમાં બંદુકની અણીએ 20 શખ્સોએ નવવધૂનું અપહરણ કરતા હાહાકાર
દાહોદ: ગુજરાતના દાહોદમાં બંદુકની અણીએ નવવધૂનું અપહરણ થયા બાદ હાહાકાર મચી ગયો છે. મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 20થી 25 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબત વિશે દાહોદ પોલીસને જાણ થતા દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી નવવધૂના અપહરણની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલે ભાઠીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, ‘બપોરે 1.30 વાગે જાન લઈને સાલાપાડા ગામે ગયા હતા સાત થી આઠ વાગ્યા સુધી ફેરા ફરી અમે પરત ફર્યા હતા ત્યારે નવાગામ ચોકડી નજીક આશરે 20થી 25 જેટલા અજાણ્યા બાઈક ચાલકોએ હથિયાર સાથે અમારી ગાડીને આંતરી હતી અને કહ્યું કે, તમે માણસ મારીને આવ્યા છો, ઠોકીને આવ્યા છો તેવું કહીને ગાડી રોકી હતી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી હતી. ગાડીમાંથી મારી પરિણીત પત્નીને ખેંચીને બહાર કાઢી લીધી હતી એમની પાસે બાઈક હતી જેમણે મારી પત્નીને બેસાડી ત્યાંથી ભાગી ગયા હતા’. આ મામલે વરરાજા તરફથી ચાર નામજોગ બીજા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ કૃત્યમાં સામેલ તમામ આરોપીની શોધખોળ માટે કામે લાગેલી દાહોદ જિલ્લાની પોલીસની તમામ ટીમોએ તપાસ કરતા ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. આ પૈકી બે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. આરોપી મધ્યપ્રદેશના મેઘનગરનાં ગોવાળીકતરા ગામના છે, તથા ગુંદીખેડા તથા અન્ય ગામોના આરોપીઓ છે. ભોગ બનનાર નવવધૂ જાલાપાડા ગામની છે જાલાપાડા ગામ અને આરોપીઓના ગામ એકબીજાની નજીકના ગામો છે.
પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક નવવધૂના અપહરણની પહેલી ઘટના ઘટી ચૂકી છે જેમાં દાહોદ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે ત્યારે આવી જ બીજી ઘટના ગત રોજ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.