આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર, તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કઢાયા

મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે હોર્ડિંગ દુર્ઘટના બાદ બુધવારે મોડી રાતે બચાવ કર્મચારીઓએ એર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી)ના નિવૃત્ત જનરલ મેનેજર અને તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

હોર્ડિંગ નીચે ફસાયેલી કારમાંથી મધરાતે દંપતીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જેમની ઓળખ મુંબઈ એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા (60) અને તેમની પત્ની અનિતા ચાન્સોરિયા (59) તરીકે થઇ હતી.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતા અને મૃતદેહોને રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મનોજ ચાન્સોરિયાનો એકનો એક પુત્ર અમેરિકામાં રહે છે. મનોજ અને તેમની પત્ની સોમવારે સાંજે અંધેરી પૂર્વના મરોલમાં એટીસીના ગેસ્ટ હાઉસથી લાલ રંગની કારમાં મધ્ય પ્રદેશના જબલપુર ખાતે જવા રવાના થયાં હતાં. ઘાટકોપરમાં પેટ્રોલ ભરાવવા માટે તેમની કાર ઊભી હતી એ સમયે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં તેઓ નીચે દબાઇ ગયાં હતાં.

આ પણ વાંચો: Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ લગાવવા માટે ઝેર આપીને તોડાયા હતા વૃક્ષો…

બીજી તરફ મનોજનો પુત્ર અમેરિકાથી સતત ફોન કરતો હોવા છતાં કોઇ ફોન ઉપાડતું નહોતું. આથી તેણે મુંબઈમાં રહેતા મિત્રોને આની જાણ કરી હતી. મનોજનું મોબાઇલ લોકેશન મંગળવારે રાતે ઘાટકોપરના છેડાનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ ખાતે ટ્રેસ થયું હતું, જ્યાં સોમવારે સાંજે હોર્ડિંગ તૂટી પડ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ટીમે એ જ રાતે હોર્ડિંગના પાંચ ગર્ડરમાંથી મધ્યમાં મુખ્ય ગર્ડર નીચે ફસાયેલી કારમાં બે મૃતદેહ જોયા હતા. જોકે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું, કારણ કે જ્યાં સુધી ગર્ડર હટાવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ બહાર કાઢી શકાય એમ નહોતું.

બાદમાં રેસ્ક્યુ ટીમે ગેસ કટર તથા અન્ય મશીનરીનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાયેલા ગર્ડરને એક પછી એક કાપી નાખ્યા હતા અને બાદમાં મૃતદેહ બહાર કઢાયા હતા.

દરમિયાન મનોજના મોબાઇલનું લાસ્ટ લોકેશન છેડાનગર હોવાનું જાણ્યા બાદ પરિવારના સભ્યો તથા મિત્રો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અનિતાના સંબંધીએ જણાવ્યું હતું કે દંપતીનો પુત્ર બુધવાર રાત સુધીમાં અહીં આવી પહોંચે તેની અપેક્ષા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…