નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી (AAP) મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે સ્પષ્ટીકરણ નથી આપ્યું. એવામાં રાષ્ટ્રીય મહિલા આયોગ(NCW)એ ગુરુવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ બિભવ કુમાર(Bibhav Kumar)ને સમન્સ પાઠવીને કમીશન સમક્ષ જવાબ આપવા હાજર થવા કહ્યું છે.
અરવિંદ કેજરીવાલની ઓફીસને મોકલવામાં આવેલી તેની નોટિસમાં NCW એ જણાવ્યું છે કે સ્વાતિ માલીવાલ પર અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા હુમલા અંગેની પોસ્ટ અંગે તેમણે સુઓ મોટો લીધો છે.
કમિશને નોટિસમાં લખ્યું છે કે, “ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને પંચે 17મી મે, 2024ના રોજ સવારે 11 વાગ્યે આ મામલે સુનાવણી નક્કી કરી છે, જેમાં તમારે કમિશન સમક્ષ રૂબરૂ હાજર રહેવું.”
NCWએ વધુમાં જણાવ્યું હતું કે જો બિભવ કુમાર શુક્રવારે પંચ સમક્ષ હાજર નહીં રહે તો તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સ્વાતિ માલીવાલ સોમવારે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાનના પર્સનલ સ્ટાફના સભ્યએ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની અંદર તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું તેમણે આ મામલે હજુ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી.
આ આરોપોને કારણે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ આ ઘટના અંગે AAP અને કેજરીવાલ પર આકરા પ્રહારો કરી રહી છે. AAP નેતા સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે માલીવાલ સાથેની ઘટના ખૂબ જ નિંદનીય છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ સાથે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે સ્વાતિ માલીવાલને લગતા પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યા પછી ભાજપ ઘણા પ્રશ્નો ઉઠાવી રહી છે.