ભારે પવનને કારણે વડાલામાં મેટલ પાર્કિંગ ટાવર તૂટી પડ્યો: બે વાહનોને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોમવારે સાંજે તોફાની પવન ફૂંકાવાને કારણે વડાલા વિસ્તારમાં એક અંડર ક્ધસ્ટ્રકશન મેટલ પાર્કિંગ ટાવર રોડ પર તૂટી પડ્યો હતો, જેને કારણે બે વાહનોને નુકસાન થયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
આ ઘટના વડાલા (પૂર્વ)માં વડાલા-એન્ટોપ હિલ રોડ પર બરકત અલી નાકા પર શ્રી જી ટાવર નજીક સોમવારે સાંજે બની હતી, ઘટના સ્થળે બે ફાયર એન્જિન અને એક રેસ્ક્યુ વાહને પહોંચી ગયા હતા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મેટલ/સ્ટીલનો પાર્કિંગ ટાવર સાંજે ૫.૫૦ વાગે અચાનક તૂટીને રોડ તરફ પાર્ક કરવામાં આવેલા આઠથી દસ વાહનો પર પડ્યો હતો, જેમાં એક માણસ ગાડીમાં ફસાઈ ગયો હતો. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનાનો એક વિડિયો પણ વાયરલ થયો હતો, જેમાં બહુમાળી નિર્માણધીન મેટર પાર્કિંગ ટાવર વ્યસ્ત રોડ પર તૂટી પડતા દેખાઈ રહ્યો હતો.