મારા પરિવાર પર હુમલો કરવાનું કારસ્તાનઃ મનોજ જરાંગે પાટીલે કર્યો મોટો દાવો
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલનનું હથિયાર ઉગામનારા મનોજ જરાંગે પાટીલએ તાજેતરમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે. લોકસભા ચૂંટણીની પાર્શ્વભૂમિ પર બોલતા તેમણે જણાવ્યું કે મરાઠાઓ ક્યારેય જાતિવાદી નહોતા. મરાઠા સમાજ જો જાતિવાદી હોત તો મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે, વસંતરાવ નાઈક, મનોહર જોશી ક્યારેય મુખ્ય પ્રધાન બની ન શક્યા હોત. ગોપીનાથ મુંડે નાયબ મુખ્ય પ્રધાન ન બની શક્યા હોત. ગોપીનાથ મુંડેની દીકરી બે વાર સંસદ સભ્ય ન થઈ હોત. આવા તો અનેક ઉદાહરણ આપી શકાય એમ છે.
મનોજ જરાંગે પાટીલએ વધુમાં જણાવ્યું હતું કે ‘મરાઠા સમાજ જાતિવાદી હોત તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બને એ શક્ય નહોતું. મરાઠા સમાજ ક્યારેય ભાજપ વિરોધી નહોતો. મરાઠા સમાજે જ તમને સત્તા પર બેસાડ્યા, પણ તમે એ સત્તાનો ગેર ઉપયોગ કર્યો. મરાઠાઓના સંતાનો પર કેસ કર્યા. મારા પરિવાર પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું.
આ બધું ગૃહ પ્રધાનને (ફડણવીસને) શોભતું નથી. મારો અને મારા પરિવારનો જીવ જોખમમાં હોય તો પણ હું સરકારની વાત નહીં સાંભળું. સરકાર મારી નિષ્ઠા વેચાતી નહીં લઈ શકે.’ તમારા પરિવાર પર હુમલો થવાનો છે એની જાણ તમને કઈ રીતે થઈ એવો સવાલ કરવામાં આવતા મનોજ જરાંગે પાટીલએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ‘મને જાણકારી કોણે આપી એ હું ન કહી શકું. પણ એ માહિતી આપનારા લોકો ગૃહ પ્રધાનની નિકટના જ છે’ એવો દાવો તેમણે કર્યો હતો.