‘મુખ્તાર અંસારીને મરવાનું તો હતું જ’ જેલમાં ઝેર આપવાના આરોપો પર યોગી આદિત્યનાથનું નિવેદન
લખનઊઃ સમાજવાદી પાર્ટી અને વિપક્ષી નેતાઓ દ્વારા મુખ્તાર અન્સારીને જેલમાં ઝેર આપીને મારી નાખવાના આરોપો પર સીએમ યોગીએ પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને કહ્યું છે કે મુખ્તાર અન્સારીને મરવાનું તો હતું જ. તેમણે બુલડોઝરની કાર્યવાહી પર પણ મહત્વનો સંદેશ આપ્યો છે. બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું હાલમાં જ અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું, પરંતુ મુખ્તારના મૃત્યુ બાદથી વિપક્ષ સતત આક્ષેપ લગાવી રહ્યો છે કે મુખ્તાર અન્સારીની હત્યા ઝેર આપીને કરવામાં આવી છે.
આ આરોપ સૌથી પહેલા ગાજીપુરના સાંસદ અફઝલ અન્સારીએ લગાવ્યો હતો. તે ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, અસદુદ્દીન ઓવૈસી, પલ્લવી પટેલ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ સંદર્ભમાં નિવેદનો આપ્યા હતા. હવે સીએમ યોગી આદિત્યનાથે આ અંગે ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો છે. એક મીડિયા હાઉસ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.
યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે સમાજવાદી પાર્ટી અને વિપક્ષ આરોપ લગાવી રહી છે કે મુખ્તારની જેલમાં ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. તેના પર સીએમઓ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મુખ્તાર અન્સારીને મરવાનું તો હતું જ. હવે આ નિવેદન પર રાષ્ટ્રીયસ્તરે ભારે વિવાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બુલડોઝરની કાર્યવાહી પર પણ સીએમ યોગીએ મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે 4 જૂન પછી ઉત્તર પ્રદેશને માફિયામુક્ત રાજ્ય જાહેર કરવામાં આવશે. આ સાથે જ માફિયાઓને ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવશે અને માફિયાઓની બધી સંપત્તિ ગરીબો, જરૂરિયાતમંદ મહિલાઓ બાળકો માટે વાપરવામાં આવશે. એના પર હોસ્પિટલો, અનાથ આશ્રમો સ્કૂલ વગેરે નિર્માણ કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં પણ તેમની કાર્યવાહી ચાલુ રહેશે.
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલા સીએમ યોગ્ય આદિત્યનાથ ના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.