ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૨ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૫૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૨ અને ઉપરમાં ૮૩.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે એક પૈસો ઘટીને ૮૩.૫૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનો અન્ડરટોન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતાં રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩૭ ટકા તૂટીને બેરલદીઠ ૮૨.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા વધીને ૧૦૫.૫૩ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૫.૪૬ પૉઈન્ટનો ઘટાડો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ટકેલું વલણ રહેવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૬૬૮.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.