પુરુષ

ક્રિકેટનું સુપરપાવર ભારત હવે ‘એક્સપોર્ટ’ પાવર પણ બન્યું

ભારત ટી-૨૦ અને વન-ડેમાં નંબર-વન છે જ, ટી-૨૦ વર્લ્ડ કપમાં રમનારા ઘણા દેશોની ટીમમાં ભારતીય મૂળના હર્ષ ઠાકર, પ્રતીક આઠવલે અને મોનાંક પટેલ સહિત અનેક સામેલ છે

સ્પોર્ટ્સમેન -સાશા

આગામી પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ૨૦ દેશની ટીમ ભાગ લઈ રહી છે. એમાં ભારતની એક ટીમ તો છે જ, બીજી પાંચ વિદેશી ટીમ એવી છે જેમાં એક કે એકથી વધુ ભારતીય મૂળના ખેલાડીનો સમાવેશ છે.

ભારતીય મૂળના સૌથી વધુ આઠ પ્લેયર યજમાન અમેરિકાની ટીમમાં છે અને એમાં પણ બે ખેલાડી ગુજરાતી છે. મોનાંક પટેલ કૅપ્ટન અને નિસર્ગ પટેલ ઑલરાઉન્ડર છે. આ ટીમના બીજા છ ભારતીય મૂળના ખેલાડીઓમાં નીતિશ કુમાર (ટૉપ-ઑર્ડર બૅટર), હરમીત સિંહ (બોલિંગ ઑલરાઉન્ડર), મિલિંદ કુમાર (ઑલરાઉન્ડર), જેસી સિંહ (પેસ બોલર), સૌરભ નેત્રાવલકર (ફાસ્ટ બોલર) અને નોસ્થુશા પ્રદીપ કેન્જિગે (ઑલરાઉન્ડર) સામેલ છે.

અમેરિકાની ટીમ વતી રમનારા ભારતીય મૂળના આઠ પ્લેયર ઉપરાંત એવા જ ૧૪ ખેલાડી અન્ય ચાર ટીમ વતી રમતા જોવા મળશે.

એક રીતે તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમનારા વર્લ્ડ કપમાં ચારેય તરફ ભારતીય ખેલાડીઓ જ રમતા જોવા મળશે. બીજી રીતે કહીએ તો આ ભારતીય મૂળના પ્લેયરો ભારતીય ટીમને હરાવવા કોઈ કસર નહીં છોડે.

આના પરથી સાબિત થાય છે કે ભારત માત્ર ક્રિકેટની ઇકોનોમીમાં જ નહીં, ક્રિકેટના મૅન પાવરમાં પણ સુપરપાવર બની રહ્યું છે. આજે આખી ક્રિકેટ-દુનિયામાં બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની જે બોલબાલા છે એ કંઈ આમ જ નથી. ભારતની મજબૂત ટીમ મોજૂદ હોવા ઉપરાંત ભારતથી ગયેલા ઘણા ક્રિકેટરો પણ વિવિધ ટીમોને મદદરૂપ થતા જોવા મળશે.

ટેસ્ટમાં ભારત હજી ચાર દિવસ પહેલાં વર્લ્ડ નંબર-વન હતું અને હવે નંબર-ટૂ છે. વન-ડે અને ટી-૨૦માં તો ભારત ઘણા અઠવાડિયાથી નંબર-વન છે જ. ટી-૨૦ના બૅટર્સમાં આપણો સૂર્યકુમાર યાદવ ઘણા દિવસોથી નંબર-વન છે.

એક રીતે ભારત આજે ક્રિકેટજગતમાં પાવરહાઉસ છે.
આઇપીએલ ૨૦૦૮થી ક્રિકેટજગતની ફ્રૅન્ચાઇઝી-આધારિત લીગ ટૂર્નામેન્ટોમાં સર્વોત્તમ છે જ, ક્રિકેટના વહીવટમાં પણ ભારતનો ડંકો વાગતો રહ્યો છે.

આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં ૨૦ ટીમ રમશે. અગાઉ ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં આટલી મોટી સંખ્યામાં ટીમો નહોતી રમી. પહેલી વાર ક્રિકેટમાં જી-૨૦ના સુપર નૅશન જેમ કે અમેરિકા અને કૅનેડાની ટીમ ભાગ લઈ રહી છે અને એમાં ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં છે.

અમેરિકા પછી બીજા નંબરે કૅનેડાની ટીમ એવી છે જેમાં ભારતીય મૂળના સૌથી વધુ સાત ખેલાડીઓ છે. ઓમાનની ટીમમાં ભારતથી ગયેલા ચાર ખેલાડી સામેલ છે તો નિયમિત ક્રિકેટ રમતા સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં પણ એક-એક ભારતીય છે. આના પરથી સાબિત થાય છે કે ક્રિકેટમાં ભારતનું માત્ર પૈસા અને પ્રભાવ બદલ જ પ્રભુત્વ છે એવું નથી, આ મહાન રમતનો વિસ્તાર કરવાની બાબતમાં પણ ભારત અવ્વલ છે અને સુપરપાવર બની ચૂક્યું છે.

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની ટીમ સિવાય બીજી ટીમો વતી રમનારા ખેલાડીઓમાં ભાગ્યે જ કોઈ એવું છે જેનો જન્મ વિદેશી ધરતી પર થયો છે અથવા ત્યાં જ રમીને વર્લ્ડ કપ સુધી પહોંચ્યા છે. ઘણા ખેલાડીઓ તો ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યા છે.

અમેરિકાના કૅપ્ટન અને વિકેટકીપર-બૅટર મોનાંક પટેલ ઉપરાંત ઑલરાઉન્ડર મિલિંદ કુમાર તેમ જ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર અને કૅનેડાનો ઑલરાઉન્ડર પરગટ સિંહ બીસીસીઆઇ દ્વારા આયોજિત ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યા છે. મોનાંક એક સમયે ગુજરાતની અન્ડર-૧૬ અને અન્ડર-૧૯ ટીમમાં હતો. અમેરિકાના મિલિંદ કુમાર અને સૌરભ નેત્રાવલકર તો રણજી ટ્રોફીમાં રમી ચૂક્યા છે. કૅનેડાનો પરગટ સિંહ પંજાબ વતી રણજી ટ્રોફીમાં રમ્યો છે.

કૅનેડાની ટીમમાં ભારતીય મૂળના જે સાત પ્લેયર સામેલ છે એની યાદી આ મુજબ છે: હર્ષ ઠાકર (ઑલરાઉન્ડર), દિલપ્રીત બાજવા (ઑલરાઉન્ડર), કંવરપાલ તાથગુર (બૅટર), નવનીત ધાલીવાલ (મિડલ-ઑર્ડર બૅટર), પરગટ સિંહ (ઑલરાઉન્ડર), રવિન્દરપાલ સિંહ (બૅટર) અને શ્રેયસ મોવ્વા (વિકેટકીપર-બૅટ
ર).

ઓમાન (પાટનગર મસ્કત)ની ટીમના વિકેટકીપર-બૅટર પ્રતીક આઠવલેનો જન્મ નાશિકમાં થયો હતો. આ ટીમના અયાન ખાનનો જન્મ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો અને તે સ્પિનિંગ-ઑલરાઉન્ડર છે. ઓમાનની ટીમના બીજા ભારતીય મૂળના ખેલાડીઓમાં શોએબ ખાન (બૅટર) અને કશ્યપ પ્રજાપતિ (ટૉપ-ઑર્ડર બૅટર) પણ સામેલ છે.

સાઉથ આફ્રિકાની ટીમનો સ્પિનર કેશવ મહારાજ અને ન્યૂ ઝીલૅન્ડનો રાચિન રવીન્દ્ર ભારતીય મૂળના છે.

છેલ્લા બેથી અઢી દાયકામાં (એકવીસમી સદીની શરૂઆત પછી) ખેલજગતમાં ભારતીય યુવા ખેલાડીઓનો વિવિધ રમતોમાં ડંકો વાગ્યો છે. વૈશ્ર્વિકીકરણના આ યુગમાં જ્યાં ભારતીય આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) એન્જિનિયરોએ આખી દુનિયામાં પોતાની પ્રતિભાનો સિક્કો જમાવ્યો છે ત્યાં ૧૯૮૩ના વિશ્ર્વવિજેતાપદ પછી ક્રિકેટજગતમાં ભારતમાં ક્રિકેટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ઝડપથી ડેવલપ થયું છે. છેલ્લા દોઢ દાયકામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)એ ભારતમાં જ નહીં, આખા વિશ્ર્વમાં ક્રિકેટને નવો જ વળાંક આપ્યો છે. એક સમયે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે ૧૧ ખેલાડી ભેગા કરવાનું કામ મુશ્કેલ હતું ત્યાં આજે બે કે ત્રણ સ્ટ્રૉન્ગ ટીમ બની શકે એટલા બધા કાબેલ ખેલાડીઓ ભારત પાસે છે. ભારત જો ઇચ્છે તો એક સાથે બે-ત્રણ દેશમાં પોતાની ટીમને રમવા મોકલી શકે એમ છે.

આજે આઇપીએલને કારણે ગલી-ગલીએ ક્રિકેટ રમવાનું વધી ગયું છે. આઇપીએલની દરેક ટીમમાં ૬૦થી ૭૦ ટકા ભારતીય ખેલાડીઓ રમતા હોય છે. આઇપીએલને પગલે વિશ્ર્વભરમાં ઘણી ફ્રૅન્ચાઇઝી-આધારિત લીગ ટૂર્નામેન્ટો શરૂ થઈ છે.

ભારત પાસે ક્રિકેટમાં આજે એટલી બધી ટૅલન્ટ છે કે જો કોઈ ટૅલન્ટેડ પ્લેયર થોડા સમય સુધી ફ્લૉપ રહે તો તેનું સ્થાન લઈ શકે એવો કે તેનાથી પણ વધુ ટૅલન્ટેડ પ્લેયર ભારત પાસે છે. એટલે જ આજે જે પણ પ્લેયરને ભારતીય ટીમમાં કે પછી આઇપીએલની કોઈ ટીમમાં કે રણજી ટ્રોફી જેવી ડોમેસ્ટિક ક્રિકેટની ટીમમાં રમવા મળે તો તે ૧૦૦ ટકા ક્ષમતાથી જ રમે છે કે જેથી તેનું સ્થાન જતું રહેવાની કોઈ સંભાવના ન રહે. એ પ્લેયરને ખબર હોય છે કે જો તે એક વાર લાઇમલાઇટની બહાર થઈ જશે તો ટીમમાં કમબૅક કરવું મુશ્કેલ બની જશે, કારણકે દેશમાં ટૅલન્ટેડ ક્રિકેટરોની ભરમાર છે.
ભારતે ક્રિકેટના વહીવટનું એવું માળખું બનાવ્યું છે જેની સફળતા આખી દુનિયા માટે ગહન અભ્યાસનો વિષય બની ગઈ છે. ક્રિકેટમાં ભારત અત્યારે સુપરપાવર છે અને એને બીજો કોઈ દેશ હલાવી શકે એમ પણ નથી. બીસીસીઆઇ તમામ દેશોના ક્રિકેટ બોર્ડમાં સૌથી શ્રીમંત છે.

એક સમયે આફ્રિકાના દેશોના ઍથ્લીટો યુરોપ તથા અમેરિકામાં ‘એક્સપોર્ટ’ થતા જેનાથી એ આફ્રિકન દેશોએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી હતી. અમેરિકા માટે એ ખેલાડીઓએ ખેલ ક્ષેત્રે મોટા પાયે સુપરપાવર બનવાની શરૂઆત પણ કરી હતી. આજે એ મોકો ભારતને ક્રિકેટને કારણે મળ્યો છે. ભારત એક દાયકાથી ક્રિકેટને ગ્લોબલ સ્પોર્ટસ બનાવવામાં વ્યસ્ત છે. ૨૪ દેશોમાં એવા સ્તરનું ક્રિકેટ રમાય છે કે જ્યાંના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં માત્ર ભાગ જ નથી લઈ શક્તા, વિક્રમો પણ રચી રહ્યા છે. ૨૦૨૩ના વર્ષમાં ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ પંચાવન વિકેટ કચ્છી ખેલાડી અલ્પેશ રામજિયાણીની હતી. અલ્પેશ યુગાન્ડાની ટીમમાં છે અને આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાનો છે. યુગાન્ડાની ટીમમાં બીજો કચ્છી ખેલાડી દિનેશ નાકરાણી છે જે ઑલરાઉન્ડર છે. સ્પિનિંગ-ઑલરાઉન્ડર રોનક પટેલ પણ યુગાન્ડા વતી રમવાનો છે.

ક્રિકેટજગતમાં ભારતનું પ્રભુત્વ એટલું મજબૂત છે કે એશિયાડમાં જ નહીં, કૉમનવેલ્થ અને ઑલિમ્પિક્સમાં પણ ક્રિકેટની રમત પહોંચી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button