સદીઓ પછી એકસરખું થયું તરુણોનું મનોવિશ્ર્વ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
ઈંગ્લિશ લિટરેચર એ વિહાનો ગમતો વિષય. ખાસ કરીને એમાં આવતી વાર્તાઓ સાથે વિહા તુરંત આત્મિયતા અનુભવવા લાગતી. એવામાં બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન નેધરલેન્ડના અર્મસ્ટ્રાડમમાં રહેતી એનેલીસ મેરી ફ્રાંકે લખેલી અંગત ડાયરીનું ચેપ્ટર વિહાની નજરે ચડ્યું. તરુણાવસ્થામાં પહોંચેલી એનની ડાયરીના શબ્દ- ભાવના- માનસિક તેમજ શારીરિક યાતના ને મનમાં ઉદભવતી કુતૂહલતાને જાણવાની તાલાવેલી વિહાને ના ઊપડે તો નવાઈ. એટલે હજુ તો લિટરેચર ભણાવતા સુધામેમ ક્લાસ શરૂ કરે એ પહેલા વિહાએ એમને પકડી લીધા :
‘મેમ, એન ફ્રેંકનું ચેપ્ટર ક્યારે કરાવશો? એની આ ડાયરીની બુક આપણી લાઈબ્રેરીમાં મળશે? એ નાઝીઓના હાથમાં આવી ગયેલી કે બચી ગઈ હતી? ’
એન ફ્રેંક વિશે જાણવામાં વિહાને રસ પડ્યો છે એ ખબર પડતાં સુધાને લાગ્યું કે વિહા સહિત આ યંગ જનરેશન સાથે ટીનએજના અનેક ઉતાર-ચડાવને પોતાની ડાયરીમાં નોંધી અમર બની જનાર એન ફ્રેંકની વાત ચોકકસથી કરવી જોઈએ.
ક્લાસમાં ચાલી રહેલા ઝીણા ગણગણાટ વચ્ચે ખોંખારો ખાઈ અવાજમાં થોડા ભાર સાથે સુધાએ શરૂ કર્યું :
ચોતરફ યુદ્ધ ના માહોલ વચ્ચે ટીનએજ મનમાં છંછેડાયેલા યુદ્ધને ધ્યાનમાં લેવાય ખરા? જવાબમાં ક્લાસ આખામાં નીરવ શાંતિ પથરાય ગઈ :
‘યુદ્ધ, લડાઈ, વોર જેવા શબ્દો સાંભળી આપણને હંમેશા સરહદ પર લડતા, એકબીજાને કાપી મારતા, શહીદ થતા સૈનિકો દેખાય, પરંતુ એવા સમયે ટીનએજર એન ફ્રાંકના જીવનમાં ઉદભવેલા અંગત મનોયુદ્ધનો ખ્યાલ છે? યુદ્ધ વગર પણ તમે બધા એન જેવા જ વિચારોના યુદ્ધને વત્તા-ઓછા પ્રમાણમાં ભોગવતા હશો એની ખબર છે? ’ આવું પૂછી સુધામેડમ ક્લાસ સામે એન ફ્રેંકની વાત માંડીને કહેવાની શરુ કરે છે.
તરુણાવસ્થામાં પ્રવેશેલી એન બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પોતાની મોટી બહેન તેમજ માતા-પિતા સાથે એક-બે મહિના નહીં, પરંતુ બબ્બે વર્ષ સુધી સંતાયેલી રહે છે. એનના પિતાની ઓફિસમાં ઉપરના ભાગમાં આવેલા ભંડકિયામાં આખો ફ્રાંક પરિવાર, પિતાના સહકર્મચારીનો પરિવાર અને એક પરિચિત ડોક્ટર એમ કુલ આઠ જણ દુનિયાની દ્રષ્ટિએ અદ્રશ્ય થઇ નાની એવી જગ્યામાં શ્ર્વસતા હોય છે. દિવસ આખો જયારે નીચે વેર હાઉસમાં કામ ચાલતું હોય ત્યારે કોઈપણ પ્રકારની હલનચલન કરવાની મનાઈ. ભૂલથી પણ જો કારીગર વર્ગને કંઈક શંકાસ્પદ હલનચલનનો અહેસાસ થાય તો આવી બન્યું સમજો. એટલે સખ્ત વાચાળ, સતત ઊછળકૂદ કરતી, કંઈક ને કંઈક અવનવું કરવા માગતી એનને પણ પરાણે દિવસના મોટાભાગના કલાકો માત્ર બેસીને પસાર કરવા પડે છે. એનની વાંચનની આદત વધુ નિખરે એ માટે પિતા એને પુસ્તકો આપતા રહે છે. પોતાની ઉંમર કરતાં આમ પણ એનમાં સમજદારી અને બૌદ્ધિકતા પહેલેથી વધુ હતી. એમાં અવળી પરિસ્થતિ તેમજ ટીનએજમાં આવતા બદલાવે એને વધુ વિચારશીલ બનાવી. સાથોસાથ એ પોતાના વિચારોને મુક્તપણે રજૂ કરતી થઈ ગઈ એટલે સાથે રહેતા લોકોને એન બટકબોલી વધુ અને સમજુ ઓછી લાગતી. એનને સતત એવું લાગતું કે જો એ મોટી થઇ જશે તો લોકો એના વિચારોને કે અભિપ્રાયોને લક્ષ્યમાં લેવાનું શરૂ કરશે. એ રીતસર પોતાના શારીરિક બદલાવને ચકાસ્યા કરતી- માસિકસ્ત્રાવ ક્યારે આવવાનું શરુ થશે એની રાહ જોતી, મોટી બહેનને કહેતી કે એ ઝડપથી સ્ત્રી બનવા માગે છે, કારણકે નાની બાળકીની જેમ સારસંભાળથી એ કંટાળી છે હવે !
બાળપણથી યુવાનીના અવિરત બદલાવ દરમિયાન એન પોતાના વિચાર, અભાવ, અભિપ્રાય, શરીરની માગ અને મનની મૂંઝવણ વિશે જાણે કોઈ ખાસ દોસ્ત સાથે વાત કરતી હોય એમ ડાયરીને સંબોધીને લખતી.
એક દિવસ રેડિયો પર નેધરલેન્ડના વડા પ્રધાન પોતાના નાગરિકોને અપીલ કરતા કહે છે કે ,’આપણા પર આવી પડેલી વિષમ પરિસ્થતિમાં તમે બધા હિંમતથી કામ લેશો અને યુદ્ધ દરમિયાનના આકરા સમય દરમિયાન તમે કઈ રીતે ટકી રહ્યા એ વિષેની યાદી શક્ય હોય તો બનાવજો.યુદ્ધ ખત્મ થયા બાદ સૌથી શ્રેષ્ઠ લખાણ હશે તેને પુરસ્કાર આપવામાં આવશે.’
આ વાત એન ફ્રાંક માટે પ્રેરણાદાયી બની રહે છે. પોતાના નાના એવા ડેસ્ક પર બેસી એ કલાકો સુધી લખતી રહે છે. ધીમે ધીમે તેની કલમ ઘડાતી જાય છે. પિતા સાથેના પ્રેમભર્યા સંબંધો, માતા સાથે થતા વૈચારિક મતભેદ, મોટીબહેનના વખાણ સમયે ઉદભવતી સાહજિક ઈર્ષ્યા , બોમ્બવર્ષાથી ઉદભવતો ડર, બહાર વાગતા સાઈરનનો ભય, નાઝી સૈનિકોના હાથમાં પકડાઈ જવાની ચિંતા, તાજી હવામાં શ્ર્વાસ લેવાનું બંધન, ભવિષ્ય અંગેની અનિશ્ર્ચિતતા, સ્વજનો સાથેનો સંઘર્ષ, સાથે રહેવા આવેલા મિત્ર પરિવારના યુવાન દીકરા પરત્વેનું આકર્ષણ, આકાશ તરફ ઉઘડતી બારીના કાચમાંથી ક્યારેક શાળાએ ફરી જવાના, જૂના મિત્રોને ફરી મળવાના, પોતાની સાઈકલ પર વિહરવાના, પોતાના ઘરે પાછા ફરવાના અને ઘરમાં જેને છોડીને આવેલીએ મુશી નામની બિલાડીને ગળે લગાડવાનાં સપનાં બધુ જ એન એવી રીતે લખે છે કે એનાં દ્રશ્યો આપણી આંખ સમક્ષ તરવરી ઊઠે.
‘દુશ્મનની ગોળીથી એક જ વારમાં મૃત્યુને ભેટવું એ દુશ્મનના ડરથી સતત મૃત્યુ પામતા રહેવા કરતાં અનેકગણું બહેતર છે.’ એવું કહેતી એન અંતે એક દિવસ નાઝી સૈનિકોના હાથમાં ઝડપાય જાય છે અને બીજુ વિશ્ર્વયુદ્ધ પૂરું થયું એના માત્ર અમુક મહિનાઓ પહેલાં કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુ પામે છે.
‘મારી સાથે કઈજ ખરાબ નહીં થાય , કારણ કે હજુ હું સોળ વર્ષની થઈ નથી ’ એવું કહી મન મનાવતી એન ફ્રાંકની લેખક કે પત્રકાર બની પ્રખ્યાત થવાની ઈચ્છા, દુનિયાભરમાં પ્રવાસ કરવાની મહેચ્છા, ઈતિહાસ જાણવાની, ખૂબ બધું ભણવાની- જાણવાની આશાઓ સાથે દફન થઇ જાય છે.
આટલું બોલી સહેજ અટકેલાં સુધા મેમ જુએ છે તો વિહાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા છે. અન્ય સ્ટુડન્ટસ પણ ગમગીન નજરે તાકી રહ્યા છે. અચાનક ક્લાસરૂમનું વાતાવરણ આ હદે ગંભીર થઈ જશે એવો એને ખ્યાલ
નહોતો, પણ એકાદ સદી પહેલાની
કોઈ તરુણીની વાત આ હદે રસપૂર્વક આજના ટીનએજર્સ સાંભળે છે એ જોતાં આવી ઝિંદાદિલ તરુણ જિંદગીઓની વાસ્તવિક વાર્તાઓ આજની યુવાપેઢી સુધી પહોચાડવી અતિઆવશ્યક છે એ સમજતા એમને વાર લાગી નહીં.
‘ચાલો, તો આપણે જે છીએ એવું દેખાવામાં કોઈ તકલીફ ના હોવી જોઈએ’ એવું માનતી એક સમયે જીવતી- જાગતી- હસતી- કુદતી- રમતી, સપનાઓ જોતી અને મોટા થઈને પ્રસિદ્ધ થવાની આશાસહ અમર બની ગયેલી એન વિષે દરેકે પ્રોજેક્ટ બનાવી લાવવાનો રહેશે ’ કહી સુધા મેડમે ક્ષણભરમાં સુન્ન બની ગયેલા આખા ક્લાસનો માહોલ ઈરાદાપૂર્વક બદલી નાખ્યો.