આનંદ દીઘેની સંપત્તિ પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધર્મવીર આનંદ દીઘે સાહેબની લોકપ્રિયતા વધી રહી હતી અને તેઓ સફળતાના શિખર પર હતા ત્યારે તેમને ત્રાસ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમનું જિલ્લાધ્યક્ષ પદ છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દીઘે સાહેબની આખી જીંદગી આશ્રમમાં ગઈ હતી, પરંતુ જ્યારે તેમનું નિધન થયું ત્યારે દીઘેસાહેબની પ્રોપર્ટી ક્યાં ક્યાં છે એવો પહેલો સવાલ ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યો હતો. દીઘેની પ્રોપર્ટી પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
જ્યારે તેમને સમજાયું કે દીઘેસાહેબ પાસેથી થાણે જિલ્લાધ્યક્ષ પદ લઈ લેવામાં આવશે તો થાણે જિલ્લામાં પાર્ટીનું અસ્તિત્વ જ રહેશે નહીં એવું જાણવા મળ્યા બાદ તેઓ અટક્યા હતા. પાર્ટીમાં બાળ ઠાકરેના ઉત્તરાધિકારી તરીકે રાજ ઠાકરેનું નામ સૂચવવા માટે દીઘેને ત્રાસ આપવામાં આવ્યો હતો એવો દાવો પણ તેમણે કર્યો હતો.
આનંદ દીઘે સાહેબે મને જીવનમાં ઊભો કર્યો, તારે સમાજ માટે કામ કરવાનું છે એવા એમના શબ્દો આજની તારીખે મારા કાનમાં ઘુમરાઈ રહ્યા છે. ધર્મવીર સિનેેમામાં આ સંદર્ભે રાજન વિચારેએ રાજીનામું આપવાનો જે પ્રસંગ દેખાડવામાં આવ્યો છે તે કાલ્પનિક છે. વાસ્તવમાં તે સમયે રાજન વિચારે રાજીનામું આપવા તૈયાર નહોતા, પરંતુ જ્યારે દીઘે સાહેબે પોતાની રીતે સમજાવ્યા ત્યારે તેમણે રાજીનામું આપ્યું હતું. હવે વાસ્તવિક સ્થિતિ બીજા ભાગમાં સામે આવશે, એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે રોજ સવારે એક ભૂંગળું વાગે છે, બપોરે બીજું ભૂંગળું વાગે છે. તમે 2019માં જનતા સાથે બેઈમાની કરી. બાળાસાહેબની વિચારધારા છોડીને તમે કૉંગ્રેસની સાથે બેઠા. દેવેન્દ્ર ફડણવીસે 50 ફોન કર્યા, પણ તમે એકેય ફોન ઉપાડ્યો નહીં. ઉદ્ધવ ઠાકરેની કૃતઘ્નતા આમાં દેખાઈ આવી હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જઈ શક્યા નહીં એ તમારું કમનસીબ છે, એવી ટીકા એકનાથ શિંદેએ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દસ વર્ષમાં એકેય દિવસ રજા લીધી નથી. મહાયુતિ પાસે નેશન ફર્સ્ટ છે, જ્યારે મહાવિકાસ આઘાડી પાસે કટ, કરપ્શન, કમિશન છે એવી ટીકા તેમણે કરી હતી.
હું ઘણો પ્રેમાળ છું, પરંતુ જ્યારે નક્કી કરી નાખું ત્યારે કરેક્ટ કાર્યક્રમ કરી નાખું છું એવી ચેતવણી તેમણે ઉદ્ધવ ઠાકરેને આપી હતી. હું કાર્યકર્તા તરીકે પ્રચારમાં જાઉં છું, મુખ્ય પ્રધાન તરીકે નહીં. હું જ્યાં જાઉં છું ત્યાં વિરોધીઓની બજાર ખતમ થઈ જાય છે, એમ પણ તેમણે કહ્યું હતું.