ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનો મોટો દાવો: ગુજરાત ભાજપે આટલી બેઠક પર ‘હાથ ધોવા’ પડશે
ગુજરાતમાં વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનાં માહોલે પહેલી જ ટર્મમાં દેશને ‘ગુજરાત મોડલ’અપાવ્યું. 2014માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહેતા વડોદરા અને ઉત્તરપ્રદેશના વારાણસીથી ચૂંટણી લડ્યા. વડોદરા બેઠક ખાલી કરી વારાણસીને અપનાવ્યું ત્યારથી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિકાસની શૃંખલા સર્જી, દેવાલય-શિવાલયોના નવીનીકરણ, નવા-નવા કોરિડોર, એયરપોર્ટ્સ, ધોરીમાર્ગ પર ઉતારીને સડસડાટ વિમાન દોડી શકે તેવા રસ્તાઓ અને વિજ્ઞાન,ટેકનૉલોજિ,ફાર્મિંગ સહિત બધુ જ પહેલા કાર્યકાળમાં શરૂ કરાવ્યુ,અને દસે દિશાઓમાં ‘ગુજરાત મોડલનો’જ્યજ્યકાર થયો.આ મોડલ એટલે વિકાસનું મોડલ. દેશની જનતા એ મોદીને વડાપ્રધાન તરીકે સાશનની બીજીવાર ધુરા સોંપી. ફરી પાછો વિકાસનો એ જ ઉપક્રમ. હવે આ વખતે ત્રીજી વારમાં 400 પારનો લક્ષ્યાંક લઈને ભાજપ સાથે પક્ષો સાથે મેદાનમાં ઉતાર્યો છે.
આ થયો ફ્લેશબેક- કટ ટૂ 2024 લોકસભા ચૂંટણી ગુજરાત.
દેશભરમાં 400 પાર બેઠકોના નારા સાથે,રામમંદિરની ભાવિ સફળતા સાથે દેશના નાગરિકોના હૃદયમાં ‘હિંદુત્વ’ આંદોલિત કરીને, પશ્ચિમ બંગાળ,કેરલ,કર્ણાટક ,તામિલનાડું સાર કરવાના મનસૂબા સાથે ભાજપના સાથી પક્ષોએ કમર કસી. ભાજપ માટે ગુજરાત તો ‘પોકેટ’ કહેવાય.અહીના દરેક મતદારમાં મોદી વસે છે અને કોઈ જ ખાસ પ્રચારની જરૂર નથી તેવું મતદાતાઓ પણ આજ સુધી માનતા રહ્યા. ગુજરાતમાં બે બેઠકો પર ઉમેદવાર બદલવા પડ્યા, એ પહેલી નારાજગી,બીજું રાજકોટથી કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાને લોકસભા બેઠક પરથી લડાવાયા.
આપણ વાંચો: ‘ડેમેજ કંટ્રોલ’નો છેલ્લો પ્રયાસ, ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખી સમર્થન આપવા કરી આજીજી
એટલે શિસ્ત બદ્ધ પાર્ટીના પહેલી કે બીજી હરોળના નેતાઓને કદાચ આ ગમ્યું નથી. એવામાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીભ લપસી. ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણી અને માફી બાદ પણ ક્ષત્રિય સમાજ ‘રૂપાલા હટાવો’ એ મમત સાથે મેદાનમાં આવ્યો. હાઇકમાંડે,ક્ષત્રિય સમાજને કોઈ ગંભીરતાથી લીધો નહીં,અને સંતો-મહંતોને વચ્ચે રાખી સમાધાનના પ્રયાસો છેલ્લી ઘડી સુધી ચાલુ રાખ્યા.
રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સાથે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે ક્ષત્રિયોમાં ફાટા પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અધુરામાં પૂરું,ક્ષત્રિય રાજવીઓ એકત્રિત થયા અને વડાપ્રધાન મોદીને સમર્થન કર્યું.
આંદોલનકારી ક્ષત્રિય સમાજને લાગ્યું કે સામાજિક એકતામાં ભાજપ ફાંટા પડાવે છે. ક્ષત્રિય સમાજે રાજકોટ, આણંદ,સુરેન્દ્રનગર, ભાવનગર, ધોળકા, જામનગરમાં મહા અસ્મિતા સંમેલન કર્યા. કહેવાય છે કે, આ વિસ્તારોમાં મતદાન ઓછું થયું. કારણ કોઈ પણ હોય,પરંતુ ક્ષત્રિય સમાજે મંગળ વારે મતદાન પૂર્ણ થયા બાદ દાવો કર્યો છે કે ભાજપ 7 બેઠકો ગુમાવે જ છે અને 4 બેઠકો પર તીવ્ર રસાકસી છે. જોવાની ખૂબી એ છે કે,રાજકોટ,સુરેન્દ્રનગર, અમરેલી,જૂનાગઢ,જામનગર, ( આણંદ -વડોદરા રસાકસી કહી શકાય ) સાબર કાંઠા ,કચ્છમાં ભાજપ માટે ધાર્યા કરતાં ઘણું જ ઓછું મતદાન થયું છે.
સાંજે 5 વાગ્યાના આંકડા કહે છે તેમ, આણંદ,વડોદરા સિવાય ક્યાંય 50 ટકા મતદાન નથી થયું. ( છેલ્લા આંકડા મોડી રાત્રે આવશે ) હવે ક્ષત્રિયોની રાજપૂત સંકલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમે આહવાન કર્યું હતું તેને ઝીલી લેવામાં આવ્યું છે.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એવું પણ જણાવ્યુ છે કે,લોકસભા છૂટનીના પરિણામ પછી પણ આંદોલન ચાલુ જ રહેશે.