પુણેમાં ક્રિકેટ રમી રહ્યો હતો 11 વર્ષનો કિશોર અને થયું કંઈક એવું કે…
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાંથી મગજને સુન્ન કરનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ક્રિકેટ રમી રહેલાં 11 વર્ષના કિશોરનું બોલ વાગતા મૃત્યુ થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ પુણેના લોહગાંવ વિસ્તારમાં ક્રિકેટ રમી રહેલાં કિશોરના ગુપ્તાંગ પર બોલ વાગતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતક કિશોરની ઓળખ શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે તરીકે કરવામાં આવી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટના ગુરુવારની છે અને રિપોર્ટ અનુસાર શૌર્ય તેના મિત્રો સાથે ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને એક તેનો મિત્ર બેટિંગ કરી રહ્યો હતો એ સમયે બેટ્સમેને જોરદાર શોટ માર્યો હતો. બોલ સીધો શૌર્યના ગુપ્તાંગ પર વાગ્યો હતો અને શૌર્ય ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો. આ જોઈને હાજર બીજા ખેલાડી મિત્રો શૌર્યને ઉઠાડવાનો પ્રયાસ કરવા લાગ્યા.
મિત્રોને કંઈ ખબર ન પડતાં આખરે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.