ધર્મતેજ
જેવો આહાર તેવો ઓડકાર: જેવી ભાવના તેવું જીવન
આચમન અનવર – વલિયાણી
ઈર્ષા પણ અદ્ભુત ચીજ છે. તે કોઈ પાપી કે અત્યાચારી વ્યક્તિમાંથી ઉત્પન્ન થતી નથી. તે પ્રતિભાવાન, ગુણવાન અને સમકક્ષમાંથી જ ઉદ્ભવે છે. ભાઈ-ભાઈની પડોશી-પડોશીની ઈર્ષા કરે છે. જે વ્યક્તિ જેની વધારે નજીક હોય છે તેની વધારે ઈર્ષા કરે છે. બીજું સકારાત્મક પાસું એ પણ છે કે, જ્યારે કોઈ નવો ઈર્ષાળુ ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે આપણી અંદર ચોક્કસ કોઈ નવો ગુણ આવ્યો હશે. અવગુણીની કોઈ ઈર્ષા કરતું નથી.
નીતિકારોએ બે પ્રકારની વૃત્તિ જણાવી છે તે વિષે આગળ પર વાંચીશું, પણ તે પહેલાં એક પ્રસંગ વાંચો :
- એકવાર એક શેઠને ત્યાં બે જાણીતા વિદ્વાન પધાર્યા. તેમાંથી એક પંડિત હતા અને બીજા પ્રોફેસર! બંનેને ખૂબ માન આપવામાં આવ્યું અને અનેક મિષ્ટાન્ન જમાડવામાં આવ્યાં.
બીજા દિવસે સવારે જ્યારે એક વિદ્વાન સ્નાન માટે ગયા ત્યારે શેઠે બીજા વિદ્વાનની પ્રશંસા કરતાં કહ્યું કે, પ્રોફેસરસાહેબ ઉચ્ચ કક્ષાના વિદ્વાન અને જ્ઞાની હોવાની સાથે સંશોધક પણ છે.
- આટલું સાંભળતા જ બીજા વિદ્વાનના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે કહેવા લાગ્યા કે શું વાત કરો છો શેઠજી? તે પ્રોફેસરને જ્ઞાન અને વિદ્વત્તા સાથે દૂરનો પણ સંબંધ નથી. બે-ચાર પુસ્તકોમાંથી નોંધ બનાવીને વિદ્યાર્થીઓ સમક્ષ સાચું-ખોટું લેકચર આપે છે. કૉલેજના સંચાલકો સાથે સાઠગાંઠ કરીને ગમે તે રીતે ટકી રહ્યો છે. તે બળદ છે, બળદ! પ્રોફેસર જેવા સ્નાન કરીને આવ્યા કે તરત જ પંડિતજી સ્નાન કરવા ચાલ્યા ગયા.
- શેઠે નમ્રતાથી પ્રોફેસર સાહેબ સમક્ષ પંડિતજીના ગુણગાન કરતાં કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે, ઉચ્ચ કક્ષાના વિદ્વાન અને પંડિતજી જેવા સંસ્કૃત અને ન્યાયમાં નિષ્ણાત, પ્રતિષ્ઠિત, ધર્મજ્ઞાતા મારે ત્યાં એક સાથે પધાર્યા.
- આ સાંભળીને પ્રોફેસરનાં ભવાં ચડી ગયાં. તેમણે કહ્યું, આ પંડિત વિશે તમે ક્યાંથી સાંભળ્યું? તે ધર્મ અને ભગવાનનો ભય બતાવીને બધાને ઉલ્લું બનાવે છે. પોતાના શિષ્યોમાં વેરઝેર કરાવે છે. દાનના પૈસા ખાઈ જાય છે. તેને કશું આવડતું નથી. તે ગધેડો છે, નર્યો ગદર્ભ…!
- શેઠ લક્ષ્મીભક્ત હતા. બીજા દિવસે સવારે તેમણે એક ડિશમાં ભૂસું અને એકમાં ઘાસ રાખીને બંનેની સામે રાખીને કહ્યું, આનો સ્વીકાર કરો. ભૂસું અને ઘાસ જોઈને પ્રોફેસર અને પંડિત બંને સમસમી ઊઠ્યા અને કહેવા લાગ્યા કે, તમે અમારું અપમાન કરો છો.
- શેઠે વિનમ્રતાથી જવાબ આપ્યો, આમાં મારો કંઈ વાંક નથી. હું તો હંમેશાં પંડિતો અને વિદ્વાનોની વાત માનું છું. આજે પણ મેં તમારી વાત માની છે. પંડિતજી, તમે જ પ્રોફેસરને બળદ અને પ્રોફેસરસાહેબ તમે પંડિતજીને ગધેડો કહ્યો હતો. મેં વિચાર્યું કે બળદ માટે ભૂસું અને ગધેડા માટે ઘાસથી શ્રેષ્ઠ નાસ્તો કયો હોઈ શકે?
- શેઠની વાત સાંભળીને બંનેના મસ્તક ઝૂકી ગયાં.
- આ ઈર્ષાનું પરિણામ હતું.
- લેખના પ્રારંભમાં નીતિકારોએ જે બે પ્રકારની વૃત્તિ જણાવી છે તેમાં એક માખીની વૃત્તિ અને બીજી ભમરાની વૃત્તિ છે.
- માખી સમક્ષ મીઠાઈ અને ગંદકીની થાળી રાખવામાં આવે તો તે મીઠાઈની ઉપેક્ષા કરીને ગંદકીની થાળી પર બેસવાનું વધારે પસંદ કરશે, જ્યારે ભમરો હંમેશાં ફૂલ પર જ બેસશે; તે સુગંધ શોધતો હોય છે. ભૂલથી પણ ગંદકી પર બેસતો નથી. બોધ:
- ભારતીય સંસ્કૃતિ પણ કહે છે, ગુણસંપન્ન બનો.
- જે વ્યક્તિ જેવી ભાવના બનાવે છે તેનું જીવન તે પ્રકારનું બની જાય છે.
- ઈર્ષાળુના ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે અને ત્યાં પોતાની નાની બહેન દરિદ્રતા છોડતી જાય છે. સનાતન સત્ય:
- વ્યક્તિએ જીવનમાં ક્યારેય કોઈની પણ ઈર્ષા કરવી ન જોઈએ.
- ઈર્ષા સુખીજીવનની દુશ્મન
- જેવો આહાર તેવો તેનો ઓડકાર.
- વ્હાલા શ્રદ્ધાળું વાચક બિરાદરો! આ સનાતન સત્ય કદી પણ મિથ્યા થતું નથી. ધર્મસંદેશ:
- ના કુછ તેરા, ના કૂછ મેરા;
જોગીવાલા, ફેરા …