એવું તો શું થયું કે મેચો મેન સન્ની દેઓલ ચાલુ શૉમાં રડી પડ્યો
![What happened is that matcho man Sunny Deol cried in the ongoing show](/wp-content/uploads/2024/05/Sunny_Deol_1714464824688_1714464833099.webp)
દેઓલ ભાઈઓ સની અને બોબીનો એકબીજા પ્રત્યેનો પ્રેમ કોઇનાથી છુપો નથી. તાજેતરમાં દેઓલ ભાઈઓ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ના નવા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ શોમાં બોબી દેઓલ અને સની દેઓલે ગયા વર્ષે મળેલી શાનદાર સફળતાની ચર્ચા કરી હતી.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ના નવા એપિસોડમાં, દેઓલ ભાઈઓ ગદર મચાવતા જોવા મળ્યા હતા. તેઓએ કપિલ શર્મા સાથે ઘણી મસ્તી કરી હતી અને તેમના અંગત-વ્યવસાયિક જીવન વિશે કેટલાક આશ્ચર્યજનક ખુલાસા કર્યા હતા. બંને ભાઇઓએ સ્ટેજ પર આવતાની સાથે જ પ્રેષકોમાં હલચલ મચાવી દીધી હતી. બંને ભાઇઓએ 2023માં મળેલી સફળતા વિશે વાત કરી હતી. સની દેઓલ તેની ફિલ્મ ‘ગદર 2’ની સફળતા અને ‘એનિમલ’માં બોબીના અભિનય વિશે વાત કરતા ભાવુક થઇ ગયા હતા. ભાઇની આંખોમાં ઝળઝળિયા જોઇને બોબી દેઓલ પણ ભાવુક થઇ જાય છે.
બોબીએ 2023 વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હું ખુશ છું કે ગદર પછી, મારા ભાઈએ 22 વર્ષ સુધી એક શાનદાર ફિલ્મની રાહ જોઈ અને આ વર્ષએ તેમની ફિલ્મ હીટ થઇ. ત્યાર બાદ પાપાની ફિલ્મ રોકી ઔર રાની કી….. આવી. પપ્પાએ બહુ જ સરસ ભૂમિકા ભજવી હતી. પછી મારી ફિલ્મ એનિમલ હિટ થઈ… આજે હું મારા પિતાની આંખમાં ખુશી જોઉ છું, જે હું હંમેશાથી જોવા માગતો હતો. મને યાદ છે જ્યારે હું એક અઠવાડિયા પછી પાછો આવ્યો ત્યારે મારા પિતા ઇન્સ્ટાગ્રામ પર વ્યસ્ત હતા અને તેમણે કહ્યું બોબી લોકો તારો ડાન્સ જોઈ રહ્યા છે. અને પાત્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે, મેં કહ્યું, હું તમારો પુત્ર છું! આ બધું તમારા કારણે છે.
સની દેઓલે જણાવ્યું હતું કે, ‘પુત્રના લગ્ન અને પુત્રી (પુત્રવધુ)ના આગમન પછી ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. પપ્પા 1960થી ફિલ્મ જગતમાં છે. પણ ઘણું બદલાઇ ગયું છે. મને લોકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે… મને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે… મને એમ લાગે છે કે જાણે ભગવાન અચાનક પ્રગટ થયા હોય!’ આ ક્ષણે સની અને બોબી બંને ભાવુક થઇ ગયાહતા અને તેમની આંખો નમ થઇ ગઇ હતી.
શોના આ એપિસોડમાં બોબીએ સુનીલ ગ્રોવર સાથે તેના પ્રખ્યાત ગીત જમાલ કુડુના સ્ટેપ્સ પણ કર્યા હતા. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. સની દેઓલ અને બોબી દેઓલનો આ એપિસોડ 43 મિનિટનો છે.