ઈમરાન ખાને જેલમાંથી પત્ર લખી પાક આર્મી ચીફ અસીમ મુનીર પર લગાવ્યો સનસનીખેજ આરોપ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સ્થાપક ઇમરાન ખાને જેલમાંથી પત્ર લખીને દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇમરાન ખાને દેશના લશ્કર પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે પાક આર્મી તેમને મારી નાખવા માગે છે. પાક લશ્કરે તેમની વિરુદ્ધ જેટલું થઇ શકે તેટલું બધું જ કરી લીધું છે હવે આર્મીએ તેમને માત્ર મારી નાખવાનું જ બાકી રાખ્યું છે. પત્રમાં ઇમરાનખાને દેશની ખરાબ સ્થિતિ પર પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશની સ્થિતિ એટલી ભયાનક છે કે તેમના જેવા નેતા જેલમાં છે.
નોંધનીય છે કે ઇમરાન ખાન બ્રિટનના ‘ડેઇલી ટેલિગ્રાફ’ માટે રાવલપિંડીની અદિયાલા જેલમાંથી કોલમ લખી છે. આ કોલમમાં તેમણે આવા આરોપ કર્યા છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ખાને તેમના અગાઉના દાવાને પુનરોચ્ચાર કર્યો હતો કે જો તેમને અથવા તેમની પત્નીને કંઈ થશે તો તે માટે ફક્ત ને ફક્ત આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જ જવાબદાર ગણાશે. મારો વિશ્વાસ મજબૂત છે. હું ભયભીત નથી થયો. હું ગુલામી કરતા મૃત્યુને પસંદ કરીશ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે દેશની ખરાબ સ્થિતિ પર દુઃખ વ્યક્ત ઝઝુમી રહેલો તેમનો દેશ “ખતરનાક ક્રોસરોડ્સ” પર છે અને સરકાર “હાસ્યને પાત્ર” બની ગઈ છે.
ઇમરાન ખાને દેશની આર્મી પર ગંભીર આરોપ લગાવતા તહ્યું હતું કે દેશના 75થી વધુ વર્ષના અસ્તિત્વમાં આર્મીએ અડધાથી વધુ સમય સુધી શાસન કર્યું છે. દેશની સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં વ્યાપક શક્તિનો ઉપયોગ કર્યો છે. જો કે, સેનાએ દેશના રાજકારણમાં હસ્તક્ષેપનો ઈન્કાર કર્યો છે.
ઇમરાન ખાને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે દેશ એ જ રસ્તે ચાલી રહ્યો છે જે રસ્તે 1971માં ચાલ્યો હતો, અને તેણે પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) ગુમાવ્યું હતું.