સ્પોર્ટસ

કોહલીએ ઓપનિંગમાં અને રોહિતે વનડાઉનમાં રમવું જોઈએ: અજય જાડેજા

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે એવું સૂચન કર્યું છે જે જાણીને ઘણાને નવાઈ લાગશે. અજય જાડેજાએ કહ્યું છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં કોહલીએ ઓપનિંગમાં રમવું જોઈએ અને રોહિતે તેના સ્થાને (વનડાઉનમાં) બૅટિંગ કરવી જોઈએ.

અજય જાડેજાને કદાચ ખબર નહીં હોય કે તે રોહિતને ઓપનિંગમાંથી હટાવવાની વાત કરે છે, પણ રોહિત જે છેલ્લી ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો એમાં તેણે અણનમ 121 રન બનાવ્યા હતા, ટી-20માં તેની એ પાંચમી સેન્ચુરી હતી અને જાન્યુઆરી, 2024માં બેન્ગલૂરુમાં અફઘાનિસ્તાન સામેની એ મૅચ ટાઇ થયા બાદ ભારતે સુપરઓવરમાં વિજય મેળવ્યો હતો. કોહલીનો એ મૅચમાં ફર્સ્ટ-બૉલ ડક હતો એ વાત અલગ છે, પણ રોહિત અને કોહલી વચ્ચે બૅટિંગ-ક્રમની આવી અદલાબદલી કરવી આશ્ર્ચર્યજનક તો છે જ.

જૂનના વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે રમાશે. નવમી જૂને ભારત-પાકિસ્તાનનો ખરાખરીનો જંગ ખેલાશે.

આપણ વાંચો: 20 વર્ષની વયે Englandના આ Cricketerનું નિધન, Ben Stokesને કર્યો હતો આઉટ..

અજય જાડેજાએ એક જાણીતા મીડિયાને કહ્યું છે, ‘હું તો કહું છું કે કોહલીએ ઓપનિંગમાં રમવું જોઈએ અને તે પ્રમોટ થતાં રોહિતને નંબર-થ્રી પર મોકલવો જોઈએ. રોહિત કૅપ્ટન છે એટલે તેના મગજમાં ઘણી વાતો ઘૂમતી હશે. એ જોતાં ઇનિંગ્સની શરૂઆત કરવાને બદલે તેને થોડો સમય મળી રહેશે. કોહલી ટૉપ-થ્રીમાં સર્વોત્તમ છે અને તે પાવરપ્લેમાં સારી રીતે પોતાને સેટલ કરી શકશે.’

અજય જાડેજા 1992થી 2000 સુધીની વન-ડે કરીઅરમાં શરૂઆતના ચાર વર્ષમાં મોટા ભાગની મૅચો ઓપનિંગમાં અને પછીથી મિડલ-ઑર્ડરમાં રમ્યો હતો. તેણે 196 વન-ડેમાં 5,359 રન અને 15 ટેસ્ટમાં 576 રન બનાવ્યા હતા, કુલ 20 વિકેટ લીધી હતી તેમ જ કુલ 64 કૅચ પકડ્યા હતા.

અજય જાડેજાએ હાર્દિક પંડ્યાના મુદ્દે કહ્યું, ‘હાર્દિક સ્પેશિયલ પ્લેયર છે. આપણા દેશમાં તેના જેવો બીજો ઑલરાઉન્ડર મળવો મુશ્કેલ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button