શું ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની સજા આપશે ટ્રમ્પ? લગાવશે 500 ટકા ટેરિફ, જાણો | મુંબઈ સમાચાર

શું ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની સજા આપશે ટ્રમ્પ? લગાવશે 500 ટકા ટેરિફ, જાણો

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર તોતિંગ ટેરિફ લગાવી દીધો છે. આ દરમિયાન બે અમેરિકન નેતા લિંડસે ગ્રાહમ (રિપબ્લિકન) અને રિચર્ડ બ્લૂમેંથલ (ડેમોક્રેટ)એ મળીને એક બિલ રજૂ કર્યું છે. જેમાં રશિયા પાસેથી ઓઈલ અને યુરેનિયમ ખરીદનારા દેશો પાસેથી વધારે ટેક્સ લેવાની વાત કહેવામાં આવી છે. ભારત અને ચીન રશિયા પાસેથી 70 ટકા ઊર્જા ઉત્પાદન ખરીદે છે. આ બિલને સૈંક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025 નામ આપવામાં આવ્યું છે.

શું છે આ બિલમાં ?

આ બિલ મુજબ જો કોઈ દેશ રશિયા પાસેથી ઓઈલ, ગેસ કે યુરેનિયમ ખરીદે તો તે દેશમાંથી અમેરિકા આયાત થતા સામાન પર 500 ટકા ટેક્સ લાગશે. અમેરિકાના નેતા રિચર્ડ બ્લૂમેંથલે કહ્યું કે, વિશ્વ ઊર્જા માટે રશિયા પર નિર્ભર ન રહે અને યુક્રેન યુદ્ધને લઈ રશિયાને સજા આપી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો આ બિલ અમલી બનશે તો ભારત પર તેની સૌથી વધારે અસર પડી શકે છે. આ બિલ માટે અમેરિકાના બંન પક્ષોના 80 ટકાથી વધારે સાંસદોનું સમર્થન જરૂરી છે. અમેરિકાના કહેવા મુજબ, રશિયાના વૉર ફંડને ઓછું કરવા માટે આ જરૂરી છે. અમેરિકન સેનેટર રિચર્ડ બ્લૂમેંથલે આ સપ્તાહે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી અને અમેરિકા મજબૂત સપોર્ટ આપશે તેમ કહ્યું હતું.

આ બિલ સામાન્ય આર્થિક પ્રતિબંધોથી અલગ છે. તે માત્ર રશિયન કંપની અને બેંકને જ નહીં પરંતુ જે દેશો રશિયા પાસેથી ઓઈલ કે ઊર્જા ખરીદી છે તેમને પણ અસર કરશે. ભારતે વર્ષ 2024માં કુલ ઓઈલની આશરે 35 ટકા આયાત રશિયા પાસેથી કરી હતી. જો આટલો ટેક્સ લગાવવામાં આવશે તો ભારત, ચીન, તુર્કીએ અને આફ્રિકા જેવા દેશોનો સામાન અમેરિકા જવાનો બંધ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને ઘરેલું મોંઘવારીને કાબુમાં રાખી છે.જો અમેરિકા 500 ટકા ટેક્સ લગાવશે તો અહીંથી ત્યાં મોકલવામાં આવતા સામાનની કિંમત વધી જશે અને કોઈ ખરીદદાર પણ નહીં મળે.

આપણ વાંચો:  પાકિસ્તાની આતંકવાદીઓ ભારત પર હુમલો કરી શકે છે: નેપાળની ચેતવણી

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button