National Anti-Terrorism Day : આજે 21 મે એટલે આપણાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ (death anniversary of Rajiv Gandhi). પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમ (LTTE)ની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું. ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય 25 જેટલા લોકોના મોત થયા હતા. આ આંતરિક આતંકવાદ છે જેણે ભય પેદા કર્યો અને આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા.
તેમની યાદમાં દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્ય વિશે પણ જાગૃત કરે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સૌહાર્દને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિ, સંપ્રદાય અને લિંગના લોકોને એક કરવાનો છે. જ્યારે ‘આતંકવાદ’ની વાત આવે છે ત્યારે આ દિવસનું મહત્વ છે.
આતંકવાદ એક સમસ્યા :
જેમ જેમ માનવજાત આગળ વધી છે, જેમ જેમ વિકાસની કેડીએ પગ માંડ્યા છે, તેની સાથે સાથે જ માણસે ઘણા વિનાશો વેઠ્યા છે. આજે પણ માનવજાત પોતાના અસ્તિત્વ સામેના અનેક પડકારો લઈને ઉભી છે. આજના સમયમાં ભારત સહિત અનેક દેશની મોટી સમસ્યા છે આતંકવાદ. આતંકવાદ આજે વિશ્વમાં એટલો વકરી ગયો છે કે ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જ્યાં કોઈને કોઈ સ્વરૂપે આતંકવાદનો સામનો ન કરવામાં આવતો હોય. વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમરેક પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકી હુમલાથી તેનો શિકાર બન્યો હતો.
આપની સામે જ્યારે આતંકવાદનું નામ આવે એટલે બોમ્બના ધડાકા, નિરોધ લોકોની હત્યાઓ, માણસોની લાશો અને લોહીના ખાબોચિયા, અચાનક કરી દેવામાં આવતા હુમલાઓ વગરે આપની આંખ સામે ખડું થઈ આવે. આપણાં દેશે મંડાઇ હત્યાકાંડથી લઈને સંસદ ભવન અને મુંબઈની તાજ હોટલ પર થયેલ હુમલાઓ સહિત આપણે પણ આતંકવાદના કારમા કહેરના ભોગ બન્યા છીએ. પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ બાળકોને કેટલી ક્રૂરતા સાથે રહેંસી નાખવામાં આવ્યા હતા.
આતંકવાદ આમ કોઈ નવી સમસ્યા નથી, વર્ષોથી ચાલી આવતી રહી છે. આતંકવાદ સાપેક્ષ છે, દરેક સમયે સત્તા તેના અર્થઘટન પ્રમાણે તેને આતંકવાદમાં ખપાવે છે. પ્રાચીન સમયમાં દાનવો, પછીના કાળમાં ડાકુઓ, આપણે જેને સ્વાતંત્ર્ય સેનાની કહીને પૂજ્યા છે તેઓને અંગ્રેજોએ આતંકવાદી તરીકે જ ખપાવ્યા હતા. તેઓએ આ ગુનામાં અનેક લોકોને ફાંસીના માંચડે પણ ચઢાવી દીધા છે. ખલિસ્તાન આંદોલનના નેતાઓને ભારત સરકારે આતંકવાદી ગણ્યા છે પણ ઘણા લોકો માટે તેમનું સ્થાન મસીહાનુ છે.
ભારતમાં કેટલા આતંકી સંગઠનો પર પ્રતિબંધ ?
બધા દેશો પોતાની રીતે આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકે છે. ભારત સરકારે પણ 2015 સુધીમાં 40 જેટલા આતંકી સંગઠનોને ઓળખી તેના પર પ્રતિબંધ મૂકેલો છે. જેમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, ખાલીસ્તાન કમાન્ડો ફોર્સ, ખાલીસ્તાન ઝિંદાબાદ ફોર્સ, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન, ઉલ્ફા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, લિબરેશન ટાઈગર ઓફ તમિલનાડુ જેવા અનેક સંગઠનો પર ભારતમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.