મુંબઈઃ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો (stock market crash) બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.
ભારતીય શેરબજારમાં કડાકાના શું છે કારણ
ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળોઃ એક રિપોર્ટ પ્રમાણે સોમવારે ક્રૂડ ઓઇલની કિંમત ત્રણ મહિનાની ટોચ પર પહોંચી ગઈ છે. અમેરિકાના પ્રતિબંધના કારણે આ ઉછાળો આવ્યો છે. જેનાથી વિશ્વના ટોચના આયાતકારો ચીન અને ભારતને અસર થશે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો ભારતની રાજકોષીય ખાધને અસર કરી શકે છે.
રૂપિયો ગગડ્યોઃ અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારની શરૂઆતમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.7ના ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો હતો.
ટ્રમ્પની વેપાર નીતિને લઈ અનિશ્ચિતતાઃ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પદભાર ગ્રહણ કરશે. તેઓ ભારત સહિત અન્ય દેશો પર ઊંચો ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પ પ્રશાસન વેપાર નીતિઓ અને સંરક્ષણવાદ દ્વારા એશિયાના ઇકોનોમિક આઉટલુકને બદલી નાંખશે, તેવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
એફપીઆઈની જંગી વેચવાલીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ડિસેમ્બરમાં 16982 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. જે બાદ 10 જાન્યુઆરી સુધીમાં 21,350 કરોડ રૂપિયાથી વધુની ભારતીય ઇક્વિટીનું વેચાણ કર્યુ છે. ગત વર્ષના ઓક્ટોબર મહિનાથી વેચવાલી મોડમાં છે. ઓક્ટોબરમાં 1,14,445 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા અને નવેમ્બરમાં 45,974 કરોડ રૂપિયા શેરબજારમાંથી ઉપાડી લીધા હતા.
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારોઃ અમેરિકન બોન્ડ યીલ્ડ અને અમેરિકાન ડોલરમાં વધારો, આ વર્ષે અમેરિન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની નહીંવત આશા, નિરાશાજનક ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય ઈક્વિટીમાંથી વિદેશી રોકાણકારો ઝડપથી વેચવાલી કરી રહ્યા છે.
બજેટ 2025 પહેલા સતર્કતાઃ બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે તમામની નજર કેન્દ્રીય બજેટ 2025 છે. બજાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો બજેટ ગત બજેટની જેવું જ રહેશે તો બજારમાં નિરાશા વ્યાપી શકે છે અને મોટો ઘટાડો થઈ શકે છે. તેથી રોકાણકારો સતર્કતાના ભાગ રૂપે વેચવાલી કરી રહ્યા છે.
ફેડના વ્યાજદરમાં ઘટાડાની નહીંવત શક્યતાઃ મજબૂત અમેરિકન મેક્રોઈકોનોમિક ડેટા અને ચિંતાને જોતા ટ્રમ્પની વેપાર નીતિ વ્યાજદર સ્થિર રાખી શકે છે. 2025માં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો નહીં કરવામાં આવે તેવી આશંકા છે. એક રિપોર્ટ મુજબ, ડિસેમ્બરમાં અમેરિકામાં નોકરીની તકોમાં અપ્રત્યક્ષ રીતે વધારો થયો છે. શ્રમ વિભાગના જણાવ્યા મુજબ, ગત મહિને બિન કૃષિ પેરોલમાં 2,56,000 નોકરીની વૃદ્ધિ થઈ હતી. જે માર્ચ બાદ સૌથી વધુ છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા 1,20,000 થી 2,00,000 સુધી નોકરીની તકનો અંદાજ લગાવ્યો હતો.
નબળા ત્રીજા ત્રિમાસિક પરિણામઃ પ્રથમ અને બીજા ત્રિમાસિક પરિણામની સુસ્ત સીઝન બાદ નિષ્ણાતને પસંદગીના ક્ષેત્રોમાં સુધારો થવાની આશા હતી. જોકે આશા ઠગારી નીવડી હતી અને કંપની પરિણામોએ નિરાશ કર્યા હતા. હવે ચોથા ત્રિમાસિકમાં સારા દેખાવની આશા છે.
આ પણ વાંચો…મહાકુંભમાં જ્યારે બાબાએ યુટ્યુબરને ચીપિયાથી પીટ્યો…જુઓ viral વિડિયો…
ભારતીય અર્થતંત્રમાં નબળાઇના સંકેતઃ ટોચની અનેક વૈશ્વિક એજન્સીઓ ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્રમાં નબળાઈના સંકેત આપી ચુકી છે. MoSPIના 7 જાન્યુઆરીના અહેવાલ મુજબ, 2024-25માં ભારતનો જીડીપી 6.4 ટકા રહેવાનો અંદાજ છે. જે છેલ્લા ચાર વર્ષનું સૌથી નીચલું સ્તર છે.