82 વર્ષે પણ ‘ટનાટન’ શંકરસિંહ વાઘેલા ખોડલ ધામ પહોચી મૂંછમાં કેમ હસ્યાં ?
ગુજરાતની રાજનીતિ નવી કરવટ લઈ રહી છે તેવું હજુ પણ ના માનતા હો તો એ તમારી ભૂલ છે. ગુજરાતની રાજનીતિની તાસીર અને તસવીર સૌરાષ્ટ્ર બદલવા માટે મક્કમ છે. પણ આ વચ્ચે મંગલવારે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ગુજરાતમાં ‘ટનાટન’ સરકારના વાહક એવા શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઉર્ફ બાપુ લેઉવા પાટીદારોના આધ્યસ્થાન એવા કાગવડના ખોડલ ધામ પહોચ્યા હતા. શંકરસિંહ અહી કોઈ રાજનીતિ કરવા નહોતા આવ્યા,પણ રાજનીતીની દરેક ચાલમાં મહારત રાખતા બાપુ બંધ બારણે ખોડલ ધામના વિચાર બીજ એવા નરેશ પટેલ સાથે બેઠક કરે અને રાજનીતિની કોઈ લહેરખી પણ ના ફરી વળે એવું કદી બને ? ખોડલ ધામની બાજુમાં જ એક આયોજિત કાર્યક્રમમાં શંકરસિંહ અને નરેશ પટેલને સાથે જવાનું હતું અને શંકરસિંહ માઁ ખોડલના આશીર્વાદ માટે આવ્યા હતા. અહીં જ શંકરસિંહે કહી દીધું કે ભાજપનો ‘ક્લાઇમેક્સ’ આવી ગયો છે.
આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાએ BAPના નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ
લોકસભા 2024ની ચૂંટણીવેળા ક્ષત્રિય સમાજના પહેલા રૂપાલા અને પછી ભાજપ સામે મંડાયેલા મોરચા બાદ શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ બોલાવી ક્ષત્રિય સમાજની માંગણીને યોગ્ય ગણાવતા,ભાજપની નીતિ-રીતિ પર પ્રહાર કર્યા હતા. ત્યાર બાદ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે યોજાયેલા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ આયોજિત અસ્મિતા સમેલનમાં પણ પહોચ્યા હતા. હવે આજે ખોડલધામ પહોચેલા શંકર સિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજના આંદોલનમાં પાર્ટ 2 કે પાર્ટ 3 જેવી કોઈ વાત નથી. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ટૂંકમાં જ મને મળશે. જો કે તેઓએ ઉમેર્યું હતું કે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનું કામ લોકસભા ચૂંટણી સાથે જ સમ્પન થઈ ગયું છે.
આ પણ વાંચો: અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે: શંકરસિંહ વાઘેલાનો હુંકાર
ઇફ્કોની ચૂંટણી અને મેંડેંટ પર શંકરસિંહ વાઘેલા એ કહ્યું કે ‘હવે હું તેમાં નથી’ પરંતુ ભાજપનો ‘ક્લાઇમેકસ; આવી ગયો છે કહીને નરેશ પટેલ સાથે હસતાં-હસતાં નીકળી ગયા હતા. સવાલ એ થાય કે રાજનીતિની હવા પારખી ગયા છે શંકરસિંહ વાઘેલા ? કે ક્ષત્રિય લેઉવા પાટીદાર સમાજ સાથે મળીને કોઈ નવી ધરી સૌરાષ્ટ્રના રાજકારણમાં રચાવા જઈ રહી છે ?