
રાજકોટઃ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર મેદાને આવ્યા હતા. તેમણે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે, ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક મોટી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં નવું બનેલું હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવે. ગોપાલ ઇટાલિયાએ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કેશુબાપાએ ગુજરાતના ખેડૂતો અને જનતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, પરંતુ ભાજપ દ્વારા તેમને ભુલાઈ રહ્યા હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

શું કહ્યું ગોપાલ ઈટાલિયાએ
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે ગુજરાતના ગામડાઓમાંથી ગુંડાઓ અને બદમાશોને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું હતું, ગામડાઓ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડ્યું, અને ગુજરાતના ગામડાઓને ગોકુળીયું ગામ બનાવવામાં યોગદાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેતી, ખેડૂત અને ગામડું સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે તેમણે પોતાનું આખું જીવન હોમ્યું છે. ઇટાલિયાને દુઃખ છે કે આવા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાઈ નથી, જ્યારે સામાન્ય વોર્ડના પ્રમુખો કે એકાદ ટર્મ ધારાસભ્ય રહેલા લોકોના નામે પણ રોડ, લાયબ્રેરી કે દવાખાના બને છે.
વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેશુબાપા પટેલે ગુજરાતના ખેડૂત, ખેતી અને ગામડાઓ માટે જે યોગદાન આપ્યું છે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી. એક સાધારણ પરિવારમાં જન્મીને, ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને, તેઓ ગુજરાતમાં પહેલી વખત ભાજપની સરકાર પૂર્ણ બહુમતીથી લાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ચેતવણી આપી હતી કે જે સમાજ પોતાના ભૂતકાળ અને મહાપુરુષોને ભૂલી જાય છે તેનું ભવિષ્ય ધૂંધળું થઈ જાય છે, અને તેથી જ કેશુબાપાના યોગદાનની વિનમ્ર નોંધ લેવા માટે એરપોર્ટનું નામકરણ કરવું અત્યંત આવશ્યક છે.
કેશુભાઈ પટેલ ઝિંદાબાદના નારા લગાવ્યા
ગોપાલ ઇટાલિયાએ પોતાની વાતને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે, 24મી જુલાઈ, 2025ના રોજ કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે, રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું નામ આપીને તેમના યોગદાનની સરકાર અને સમાજ દ્વારા નોંધ લેવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે જય કિસાન અને કેશુભાઈ પટેલ ઝિંદાબાદના નારા સાથે પોતાની વાત પૂરી કરી હતી.
કોણ છે ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભાના ધારાસભ્યછે. તેઓ જૂન 2025 માં યોજાયેલી પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ચૂંટાયા હતા. ભાજપ 2007 થી આ બેઠક જીતી શક્યું નથી.ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવીને જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. જૂન 2020 માં તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા. ત્યારબાદ, 12 ડિસેમ્બર 2020 ના રોજ તેઓ ગુજરાતમાં AAP ના પ્રદેશ પ્રમુખ બન્યા અને જાન્યુઆરી 2023 સુધી આ પદ પર રહ્યા. હાલમાં, તેઓ આમ આદમી પાર્ટીના સંયુક્ત મહાસચિવ છે.
આ પણ વાંચો…ગોપાલ ઇટાલિયા-કાંતિભાઈ અમૃતિયા અમને-સામને, મોરબીમાં જામશે ચૂંટણી જંગ? જાણો છે મામલો…